• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વીસી નીરજા ગુપ્તાએ 14 કરોડની રકમ પરત કરી

NSUI દ્વારા આજે યુનિવર્સિટી બંધનું એલાન

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 23: ગુજરાત યુનિવર્સિટીને મળેલી વિવિધ ગ્રાન્ટની કરોડો રૂપિયાની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવવાના આરોપો અને વિવાદ વચ્ચે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ 14 કરોડ રૂપિયાથી વધુની રકમ યુનિવર્સિટીમાં પરત જમા કરાવી દીધી હોવાની માહિતી મળી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (પીએમજેવીકે) અને બ્રેઇન મેપિંગ પ્રોજેકટ હેઠળ કરોડોની ગ્રાન્ટ મળી હતી. આ બંને પ્રોજેક્ટ હેઠળ

આવેલી ગ્રાન્ટની રકમ નીરજા ગુપ્તાના પર્સનલ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવતાં મોટો વિવાદ ઊભો થયો હતો.

કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં નીરજા ગુપ્તા આ બંને મહત્વના પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે સક્રિય રહ્યા હતા. જોકે, વિવાદ વકરતાં અને નિવૃત્ત જજની કમિટી દ્વારા આ મામલે તપાસ ચાલી રહી હોવાના પગલે, તેણે 14 કરોડથી વધુની રકમ પરત કરવા સાથે પીએમજેવીકે પ્રોજેક્ટમાંથી રાજીનામું આપી દીધું છે.

આ મામલે નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ ડી. એમ. વ્યાસની અધ્યક્ષતામાં એક સભ્યની તપાસ સમિતિ દ્વારા તપાસ ચાલી રહી છે. સમિતિને નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓ, સત્તાના કથિત દુરુપયોગ અને પીએમજેવીકે ગ્રાન્ટ સાથે જોડાયેલા આક્ષેપોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ આક્ષેપો અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા ઓડિટમાં અનેક ખુલાસાઓ થતાં વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પીયૂષ પટેલ સામે એનએસયુઆઇ દ્વારા આજે ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. એનએસયુઆઇ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો મુજબ વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ નિયમોની વિરુદ્ધ જઈને આઇડીએસઆર (ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝિગ્નેટેડ સેક્રેટરિયેટ રિસોર્સિસ)માંથી રૂ. 24.98 લાખ જેટલી માતબર રકમ પગાર પેટે મેળવી હતી તેવો ઓડીટમાં ખુલાસો થયો છે. જેના પગલે એનએસયુઆઇ દ્વારા આવતીકાલે સમગ્ર ગુજરાત યુનિવર્સિટી બંધનું સત્તાવાર એલાન આપવામાં આવ્યું છે. આજે વિરોધ પ્રદર્શન દરમિયાન એનએસયુઆઇના કાર્યકરોએ રજિસ્ટ્રારની ઓફિસનો દરવાજો તોડી ખુરશીને નકલી નોટોનો હાર પહેરાવી વિરોધ પણ કર્યો હતો.

એનએસયુઆઇના અનુસાર યુનિવર્સિટીની ગરિમા અને વિદ્યાર્થીઓના હિત સાથે ચેડાં કરનારા અધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. એનએસયુઆઇના આ બંધના એલાનને પગલે યુનિવર્સિટી પરિસરમાં તંગદિલી ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એનએસયુઆઇએ એવો પણ આક્ષેપ કર્યો છે કે વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તા દ્વારા એક પછી એક અનેક નાણાકીય અને વહીવટી કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે, જેમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલની પણ સીધી મિલિભગત જોવા મળી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક