નવી દિલ્હી, તા. 23 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન અને ચેતવણી બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો કડાકો બોલાયો છે અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરની નીચે પહોંચી ગયો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ ઈરાનને કોઈ પણ પ્રકારની સમજૂતી ન થવાની સ્થિતિમાં ‘સંપૂર્ણપણે તબાહ’ કરી દેવાની કડક ચેતવણી આપી છે, તો બીજી તરફ ઓઇલના ભાવ ઝડપથી ઘટવાની ભવિષ્યવાણી પણ કરી છે.
યુએનજીએમાં સામેલ થયેલા ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપ્યાના થોડા જ કલાકોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હોવાની વાત શેર કરી હતી. આ બેઠક બાદ તેમણે દાવો કર્યો હતો કે, આગામી સમયમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળશે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત અને ટ્રમ્પના દાવાની અસર તરત જ બજાર પર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને 98 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગઈ છે. આ ઉપરાંત ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલ 89 ડોલર પ્રતિ બેરલ સુધી ગગડી ગયું છે, જ્યારે મરબન ક્રૂડ ઓઇલ પણ ઘટીને 108 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે. અગાઉ આ તમામ કિંમતો 100 ડોલરથી ઉપર ચાલી રહી હતી, જેના કારણે આયાત પર નિર્ભર દેશોમાં મોંઘવારીનું જોખમ વધી ગયું હતું.
એક તરફ ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થઈ રહ્યા છે, તો બીજી તરફ ઓઇલ માર્કેટને પ્રભાવિત કરનાર હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી મૂકવા માટે ઈરાને એક શરત મૂકી છે. ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, જો અમેરિકા સૈન્ય દબાણ ઓછું કરે અને ઈરાની બંદરગાહો પરથી નાકાબંધી હટાવી લે, તો આગામી સાત દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી શકાય છે. તેહરાન ઈચ્છે છે કે વાશિંગ્ટન સત્તાવાર રીતે સ્પષ્ટ કરે કે તે રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે.
રૂસી તેલ ખરીદી નહીં રોકે ભારત
નવી દિલ્હી, તા. 23 : ટ્રમ્પની 100 ટકા ટેરિફની તલવાર લટકી રહી છે, ત્યારે ભારત તેને મચક આપે તેવું તો લાગતું નથી, નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ કહી દીધું હતું કે, ભારત અચાનક રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ ન કરી શકે.
દેશના 140 કરોડ લોકોની જરૂરત પૂરી કરવા માટે ભારત દુનિયાના દરેક ખૂણેથી તેલની ખરીદી કરશે, તેવું સીતારામને જણાવ્યું હતું. ભારત રૂસી તેલ છોડીને બીજા દેશો પાસેથી ખરીદી કરવા લાગશે, તો બજારમાં તેલ ઓછું પડશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણે વધી જશે, તેવું તેમણે ઉમેર્યું હતું.
નાણાપ્રધાને કહ્યું હતું કે, ભારતની રિફાઇનરીઓ એક ખાસ પ્રકારનાં મધ્યમ કાચા તેલની જ પ્રોસેસ કરી શકે છે.
દેશના 140 કરોડ ભારતીયોના હિતને સર્વોપરી લેખાવતાં સીતારામને કહ્યું હતું કે, રૂસ પાસેથી તેલ ખરીદી ભારત બંધ કરશે તો આખી દુનિયામાં મોંઘવારી વધશે.
અમેરિકાના નવા નિયમોથી પડકારો જરૂર છે, પરંતુ ભારતની સરકાર રિફાઇનિંગ ક્ષમતા અને સામાન્ય જનતાની જરૂરતોને ધ્યાનમાં રાખીને જ ફેંસલો લેવાશે.