• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા : ચૂંટણી પંચ

મતભેદોનાં અહેવાલ અને વિવાદ પછી 8 મુદ્દાની સ્પષ્ટતા : મતભેદોને પ્રક્રિયાનો ભાગ ગણાવાયા

નવી દિલ્હી, તા.23: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)માં ગેરરીતિઓને લઈને ચૂંટણી પંચ સામે સવાલો ઉઠયા બાદ ચૂંટણી કમિશનરોના નિર્ણયોમાં મતભેદને લઈને એક અહેવાલમાં થયેલા ઘટસ્ફોટ પછી આ મામલે આઠ મુદ્દાની સ્પષ્ટતા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે.

ચૂંટણી પંચે 8 મુદ્દામાં સાર સાથે જોડાયેલી વિવિધ બાબતો અંગે સ્પષ્ટતા કરી છે. સાથે જ પંચ કેવી રીતે કામ કરે છે તેની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમામ નિર્ણયો છેલ્લા એક વર્ષ દરમિયાન સમગ્ર કમિશન દ્વારા સર્વસંમતિથી લેવામાં આવેલા નિર્ણયોના પરિણામ છે.

પંચના તમામ કાર્યો કમિશનના કાયદા અને નિર્દેશો અનુસાર કરવામાં આવ્યા છે.

કમિશનના તમામ સત્તાવાર આદેશો, નિર્ણયો અને વહીવટી નિર્દેશો સંપૂર્ણપણે કાયદેસર છે અને ચીફ ઇલેક્શન કમિશનર અને અન્ય ઇલેક્શન કમિશનર્સ (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 હેઠળ નક્કી કરવામાં આવેલી કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરે છે.

ડ્રાફ્ટ તબક્કા દરમિયાન કમિશનના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા કોઈપણ કામગીરી સંબંધિત સવાલો અથવા સૂચનો, મતદારોના અધિકારોની સુરક્ષા માટેની પ્રમાણભૂત વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. કમિશનરો દ્વારા આપવામાં આવેલા સૂચનોનો હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ સુધારવાનો હતો.

કોઈપણ સંસ્થામાં અલગ-અલગ મતો અને વિચારો અંગે ચર્ચા થવી એ સામાન્ય બાબત છે. અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં આવા વિચારો નિર્ણય પ્રક્રિયાનો ભાગ હોય છે. માત્ર ત્રણ કમિશનરો જ નહીં, પરંતુ કમિશનનો દરેક અધિકારી ચૂંટણી વ્યવસ્થામાં સુધારો કરવા માટે કમિશનને પોતાના સૂચનો આપવા માટે સંપૂર્ણપણે અધિકૃત છે.

10 મહિનાના સમયગાળામાં તૈયાર કરવામાં આવેલી કેટલીક ચોક્કસ આંતરિક નોંધો અથવા અવલોકનોને જ હાઇલાઇટ કરવાં અને મંજૂરીઓ, નિર્ણયો, નિર્દેશો તથા પહેલના વિશાળ સમૂહને અવગણવો એટલે સમગ્ર તસવીરનો માત્ર એક ભાગ રજૂ કરવો. તાજેતરના મહિનાઓમાં કમિશને અનેક નિર્ણયો લીધા છે, નિર્દેશો જાહેર કર્યા છે, લગભગ 40 નવી પહેલ શરૂ કરી છે અને સમગ્ર દેશમાં મતદાર યાદીની સમીક્ષા (સર સહિત) તેમજ અનેક ચૂંટણી સુધારાઓ કર્યા છે. આ તમામ નિર્ણયો છેલ્લા એક વર્ષ દરમિયાન સમગ્ર કમિશન દ્વારા સર્વસંમતિથી લેવામાં આવેલા નિર્ણયોના પરિણામ છે.

પંચે તાજેતરમાં બિહાર, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં મોટા ચૂંટણી કાર્યક્રમો અને આ દરમિયાન સંબંધિત ચૂંટણી પ્રક્રિયાઓ સફળતાપૂર્વક હાથ ધરી છે. આ કામગીરીમાં મોટા પાયે વહીવટી અને કામગીરી સંબંધિત તંત્ર તેમજ કમિશનની અનેક મંજૂરીઓ અને નિર્દેશો સામેલ હતા.

કમિશનના ડિજીટલ પ્લેટફોર્મ, જેમ કે ઈસીઆઈનેટ, અનધિકૃત ચેડાં, હેરફેર વગેરેને રોકવા માટે કડક ડેટા સુરક્ષા પ્રોટોકોલ હેઠળ કાર્ય કરે છે. આઈટી સુરક્ષા તપાસ અને ઓડિટ નિયંત્રણો રાષ્ટ્રીય ડેટાબેઝમાં લાગુ કરવામાં આવેલા પ્રમાણભૂત સાયબર સુરક્ષા પગલાં છે. ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર (ઈઆરઓ) અને જિલ્લા ચૂંટણી અધિકારી (ડીઈઓ) સહિતના કાયદેસર સત્તાધિકારીઓ કાયદા હેઠળ નોંધણી અને નામ દૂર કરવાની પોતાની કાયદેસર સત્તાઓ અનુસાર કાર્ય કરે છે. ભારતનું ચૂંટણી પંચ પોતાના બંધારણીય કાર્યો સંપૂર્ણ ઈમાનદારી સાથે નિભાવવા માટે પ્રતિબદ્ધ છે અને દેશના લોકતંત્રને આગળ વધારવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઓળખે છે. તેવું તેની સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે.

 

‘જ્ઞાનેશકુમાર દેશના દુશ્મન છે...’ અભિજિત દીપકેના પ્રહાર

નવી દિલ્હી, તા. 23 : કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજિત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ શરૂ કર્યો છે. ચૂંટણીપંચમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર મતભેદ હોવાના દાવા સાથેના એક રિપોર્ટ બાદ દીપકેએ સીઇસી જ્ઞાનેશકુમાર પર હુમલો કરતા કહ્યું હતું કે, તેઓ દેશના દુશ્મન છે. દીપકેએ કહ્યું કે, તેઓ ચૂંટણી નથી કરાવી રહ્યા, પરંતુ તેની પટકથા લખી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી કમિશનર ડો. સુખબીરાસિંહ સંધુ અને ડો. વિવેક જોશીએ એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન 10 મહિનામાં કુલ 14 વખત ઔપચારિક રીતે વાંધો ઊઠાવ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, વાંધાને ધ્યાને ન રાખીને કેટલાક નિર્ણયો લાગુ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ પબ્લિશ થતાં જ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિત કેટલાક વિપક્ષી પક્ષો સહિત સીજેપી નેતાઓએ પહેલેથી જ રડારમાં રહેલા સીઇસી જ્ઞાનેશકુમાર પર પ્રહાર શરૂ કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક