• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

મીરાબાઈએ એશિયન ગેમ્સમાં સિલ્વર જીતી રચ્યો ઈતિહાસ

28 વર્ષ બાદ ભારતને મળ્યા સારા સમાચાર : દિગ્ગજ કર્ણમ મલ્લેશ્વરીની મીરાબાઈએ બરાબરી કરી : કિમ જોંગના દેશની ખેલાડીને ગોલ્ડ મેડલ

ટોક્યો, તા. 23 : ભારતની સ્ટાર વેટલિફટર મીરાબાઈ ચાનૂએ એશિયન ગેમ્સ 2026માં ઈતિહાસ રચી દીધો હતો. મીરાબાઈએ મહિલા 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ નામે કર્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ મીરાબાઈનો પહેલો મેડલ છે. ગોલ્ડ મેડલ કિંમ જોંગ ઉનના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયાની રી સોંગ ગુમે જીત્યો હતો. આ અગાઉ 1998મા કર્ણમ મલ્લેશ્વરીએ એશિયન ગેમ્સમાં વેટલિફ્ટિંગમાં ભારતને મેડલ અપાવ્યો હતો. આ રીતે 28 વર્ષ બાદ ભારતે ફરી મેડલ જીત્યો છે.

મીરાબાઈ માટે આ ઉપલબ્ધિ ખાસ છે કારણ કે ગયા એશિયન ગેમ્સમાં તે મેડલથી ચૂકી ગઈ હતી અને ચોથા સ્થાને રહી હતી. આ વખતે તેણે કમી પૂરી કરતા સિલ્વર મેડલ નામે કર્યો છે. આ પદક સાથે મીરાબાઈએ ભારતીય વેટલિફ્ટિંગ દિગ્ગજ કર્ણમ મલ્લેશ્વરીની પણ બરાબરી કરી છે. મીરાબાઈ કર્ણમ બાદ બીજી ભારતીય વેટલિફ્ટર બની છે જેણે ઓલિમ્પિક, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપ જેવી મોટી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં પદક જીત્યા છે.

ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટે કુલ 198 કિલો વજન ઉપાડયું હતું. જેમાં સ્નેચમાં 88 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 111 કિલો વજન સામેલ છે. મીરાબાઈએ 1998માં કર્ણમ મલ્લેશ્વરી દ્વારા બ્રોન્ઝ જીત્યા બાદ ભારત માટે એશિયન ગેમ્સમાં પહેલો વેટલિફ્ટિંગ મેડલ જીત્યો છે.

વુશુમાં મેડલ નક્કી

ભારતની સ્ટાર વુશુ ખેલાડી રોશિબિના દેવીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 60 કિલો વર્ગની પ્રતિયોગીતાના ફાઇનલમાં જગ્યા બનાવી છે. સેમિફાઇનલમાં રોશિબિનાએ ઈન્ડોનેશિયાની થાનિયાને 2-0થી હરાવીને ગોલ્ડ મેડલ તરફ ડગ ભર્યું હતું. હવે રોશિબિનાનો મુકાબલો ગુરુવારે ફાઇનલમાં ચીનની ઝાંગ શિયાઓયુ સામે થશે. મુકાબલામાં જીત સાથે રોશિબિના મેડલનો રંગ બદલીને સોનેરી કરવાની તક મેળવવા આગળ વધશે.

મહિલા હોકીમાં

થાઇલેન્ડને 20-1થી હરાવ્યું

ભારતે એશિયન ગેમ્સમાં મહિલા હોકીમાં થાઇલેન્ડને 20-1થી હરાવ્યું હતું. આ જીતમાં દીપિકાએ રેકોર્ડ નવ ગોલ કર્યા હતા અને પેનલ્ટી કોર્નર ઉપર પોતાના તમામ નવ પ્રયાસને ગોલમાં તબદીલ કર્યા હતા. ભારતની પુલ બીમાં આ સતત ત્રીજી જીત બની હતી.

સોફ્ટ ટેનિસમાં પહેલો મેડલ

સોફટ ટેનિસમાં ભારતને મેડલ મળ્યો હતો. જય મીણા સેમિફાઇનલમાં 2-4થી હાર્યો હતો. તેમ છતાં બ્રોન્ઝ મેડલ નામે કર્યો હતો. ભારતના જયને સેમિફાઇનલમાં જાપાનના તુકોયા કુરોસાકા સામે હાર મળી હતી. 

સ્કીટ ઇવેન્ટમાં

પુરુષ-મહિલા ટીમને બ્રોન્ઝ

ભારતના પુરુષોએ સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જે ભારતનો એશિયન ગેમ્સમાં નવમો મેડલ બન્યો હતો. અનંતજીત સિંહ નારૂકા, મૈરાજખાન અને ભાવેજ્ઞ સિંહ ગિલની ટીમે ક્વોલિફિકેશનમાં 346 પોઇન્ટ કર્યા હતા. ભારતે મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો. રાઈજા ઢિલ્લોં, મહેશ્વરી ચૌહાણ અને પરિનાજ ધાલીવાલની ટીમે 331ના સ્કોર સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

મનુ ભાકર હારી : પાંચમા ક્રમાંકે

મનુ ભાકર મહિલા 10 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં મેડલ ચૂકી હતી અને પાંચમા ક્રમાંકે રહી હતી. મેડલ ન જીતવા છતાં મનુ ભાકર પોતાને સંભાળી રહી હતી પણ મીડિયા સાથેની વાતચીતમાં જસપાલ રાણાનું નામ આવતાં જ રડવા લાગી હતી. થોડા મહિલા પહેલાં જસપાલનું 49 વર્ષની વયે નિધન થયું હતું.

કબડ્ડી : ભારતે

બંગલાદેશને 48-25થી હરાવ્યું

ભારતે પુરુષ કબડ્ડીમાં બંગલાદેશને 48-25થી હરાવીને ગ્રુપ સ્ટેજમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી. ભારતીય ટીમ પૂરા મુકાબલામાં હાગવી રહી હતી અને અત્યારસુધી ટીમ અજેય છે. ભારતનો આગામી મુકાબલો ચીની તાઈપે સામે થવાનો છે. આ ગ્રુપ સ્ટેમાં અંતિમ મુકાબલો રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક