• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ગણપતિ વિસર્જન સમયે એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી મૃત્યુ

કુવાડવા-વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર પાસેના તળાવમાં વિસર્જન કરવા આવેલા રાણપુરના ચૌહાણ પરિવારના પ્રોઢ, યુવાન અને કિશોરના ડૂબી જવાથી કરુણ મૃત્યુ; રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા

 

રાજકોટ,તા.23: રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર આવેલા ખોડિયાર મંદિર અને અજય વે બ્રિજ સામેના તળાવમાં ગણપતિ વિસર્જન કરવા આવેલા રાણપુરના એક પરિવાર સાથે એક અત્યંત હચમચાવનારી અને દુ:ખદ દુર્ઘટના સર્જાઈ છે. વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મૃત્યુ નીપજતા સમગ્ર વિસ્તારમાં અને પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની વિગતો મુજબ, રાણપુરની શિવધારા રેસિડેન્સી, શેરી નં.6 ખાતે રહેતા પરિવારના સભ્યો ગણપતિ વિસર્જન માટે અહીં આવ્યા હતા. આ દરમિયાન અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી પ્રૌઢ ધીરુભાઈ ભલાભાઈ ચૌહાણ (ઉ.વ.50) યુવાન નરેન્દ્રભાઈ મગનભાઈ ચૌહાણ (ઉ.વ. 30) અને કિશોર નયનભાઈ ધીરુભાઈ ચૌહાણ (ઉ.વ. 13) નાં મૃત્યુ થયા હતા. આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની રેસ્ક્યુ-સર્ચ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કલાકોની ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

પાણીમાંથી મૃતદેહ બહાર કાઢતી વખતે મૃતકોના સંબંધી દિલીપભાઈ સોમાભાઈ તથા ગામના સરપંચ લાલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફાયર સ્ટાફ દ્વારા ત્રણેયના મૃતદેહ સરપંચની હાજરીમાં એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

આ રેસ્ક્યુ સર્ચ ઓપરેશન સફળ બનાવવા માટે ફાયર જવાનો શાહબાઝખાન યુસુફઝાઈ, દિલીપભાઈ ગાંગડીયા, ફાયર ઓફિસર પરેશભાઈ રાઠોડ, ચેતનભાઈ છોટિયા, ધનરાજભાઈ મેટાલિયા, મનોજભાઈ ડાભી તેમજ ડ્રાઈવર મહિપાલાસિંહ રાણાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કરુણાંતિકાથી હસતો-રમતો પરિવાર પળભરમાં વિખેરાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક