• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ભારતનું અર્થતંત્ર 7 ટકા દરે વધશે

મૂડીઝ બાદ એસએન્ડપી પણ ભારત પર ઓળઘોળ

નવી દિલ્હી, તા. 23 : દુનિયાભરમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. મૂડીઝ રાટિંગ્સ બાદ હવે એસએન્ડપી ગ્લોબલ રાટિંગ્સએ પણ ભારતની અર્થવ્યવસ્થા માટેના પોતાના ગ્રોથના અનુમાનમાં વધારો કરીને 7 ટકા કરી દીધો છે.

મૂડીઝે જીડીપી ગ્રોથનું અનુમાન આખું 1 ટકા વધારીને 7 ટકા કર્યું હતું, જ્યારે એસએન્ડપીએ પોતાનું અનુમાન 0.4 ટકા વધાર્યું છે. આ તમામ જી-20 અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી ગ્રોથ રેટ છે. આ અનુમાન આરબીઆઈના 6.7 ટકા અને ફિચ રાટિંગ્સના 6.4 ટકા કરતાં ઘણું વધારે છે.

એસએન્ડપીએ નાણાકીય વર્ષ 2027 માટે ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ 6.6 ટકાથી વધારીને 7 ટકા કરી દીધો છે. એજન્સીનું કહેવું છે કે, જૂન ત્રિમાસિક ગાળામાં ઉદ્યોગ, વપરાશ, નિકાસ અને સરકારી રોકાણે અપેક્ષા કરતાં સારો દેખાવ કર્યો છે. આ પહેલાં 18 સપ્ટેમ્બરે મૂડીઝે પણ 2026-27માં 6 ટકા ગ્રોથના અનુમાનને વધારીને 7 ટકા કરી દીધો હતો. એસએન્ડપીના રિપોર્ટ મુજબ, જૂન ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા 7.8 ટકા વધી છે. જો કે, ગતિ થોડી ઘટી છે, છતાં વૃદ્ધિ મજબૂત રહી છે, જેનાથી ઊભરતી એશિયાની અર્થવ્યવસ્થાને ટેકો મળ્યો છે. એજન્સીને અપેક્ષા છે કે, નાણાકીય વર્ષ 2028માં 7.2 ટકા અને નાણાકીય વર્ષ 2029માં 7 ટકા ગ્રોથ રહી શકે છે. આ સાથે જ નાણાકીય વર્ષ 2027માં મોંઘવારી સરેરાશ 5.1 ટકા રહી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક