ઈકોમાં કારમાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજા, સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા
સુરેન્દ્રનગર,
તા.26: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-સમી હાઈવે પર આજે વહેલી સવારે ઈકો કાર અને રોડ
પર ઉભેલા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા
અકસ્માતમાં ઈકોમાં સવાર બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે અકસ્માત બાદ ટ્રક
સાથે સંકળાયેલા અન્ય એક વ્યક્તિનું પણ કરંટ લાગતાં મૃત્યુ થયું હતું. આમ, સમગ્ર ઘટનામાં
મૃત્યુઆંક ત્રણ થયો છે. અકસ્માતમાં પાંચ જેટલા લોકોને ઈજા પહોંચતા અલગ-અલગ હોસ્પિટલમાં
સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી
માહિતી મુજબ, ઈકો કારમાં સવાર લોકો વિરમગામ તરફથી શંખેશ્વર દર્શન કરવા જઈ રહ્યા હતા.
દરમિયાન દસાડા-સમી હાઈવે પર રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં
ચેન્નઈના રાજેશ શેઠિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે મુંબઈના રહેવાસી અજીત
જૈનનું સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું.
અકસ્મતમાં
ઈકો કારનો આગળનો ભાગ બૂરી રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અન્ય પાંચ લોકોને ઈજા પહોંચતા
તેમને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈકોના ડ્રાઈવર મલેક ઈમરાનને
વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
દરમિયાન
અકસ્માત બાદ ટ્રકનો ક્લીનર ભાગી રહ્યો હતો. તે સમયે આશરે 400 મીટર દૂર ખેતરમાં પડેલા
જટકા મશીનના કરંટનો ઝટકો લાગતા તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં
પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી
હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામની
સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.