• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માતમાં પીએસઆઈ સહિત ત્રણનાં મૃત્યુ

ભરૂચના મનુબર ગામ નજીક ટેમ્પો અને કાર વચ્ચે ભયાનક ટક્કર

વડોદરા, તા. 20 :  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ નજીક મનુબર ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ યુવાનનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં વડોદરાના 27 વર્ષીય પીએસઆઈ યશ પટેલ, 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનાં મોત થયાં હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કારને મનુબર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. કારમાં ચાર લોકો સવાર હતા, જેમાંથી ત્રણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકાળે ત્રણ યુવાનોના મોતના સમાચારથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી. પીએસઆઈ યશ પટેલના મોતને પગલે પોલીસ બેડામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક