• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

રાજકોટની વાહન બજારમાં મંદી, વેચાણમાં 24.32 ટકાનો ઘટાડો

ગત વર્ષે નવરાત્રીના તહેવારોમાં 4054 વાહનો વેચાયા હતા આ વખતે 986 વાહનો ઓછા વેચાયા : ટુ વ્હીલર્સના વેચાણમાં મોટો ફટકો

રાજકોટ, તા.20 : નવરાત્રી પર્વમાં આ વખતે શહેરમાં વાહન વેચાણના આંકડા ચોકાવનારા સામે આવ્યાં હતાં. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે વાહનોનું વેચાણ ઘટયું છે, ખાસ કરીને મધ્યમવર્ગની પ્રથમ પસંદગી ગણાતા ટુ-વ્હીલર્સ ઓછા વેચાયા હોવાનું સામે આવ્યું છે.

કોર્પોરેશનના વાહનવેરાના ઓનલાઈન રેકોર્ડ અનુસાર તા.11થી 19 ઓક્ટોબર સુધીમાં શહેરમાં કુલ 3,068 વાહનોનું વેચાણ થયું હતું. જેની કુલ કિમત રૂ. 75,73,62,841 જેટલી થાય છે જેની સામે ગત વર્ષે તા.2રથી 30 સપ્ટેમ્બર, 2025 દરમિયાન નવરાત્રીના નવ દિવસમાં કુલ 4,054 વાહન વેચાયાં હતાં, જેની કુલ કિંમત રૂ.76,02,35,569 હતી.

આમ ગત વર્ષની તુલનાએ આ વર્ષે વાહનોની સંખ્યામાં 986નો એટલે કે આશરે 24.32 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. વાહન વેચાણની સંખ્યા ઘટવા છતાં કુલ વેચાણ કિમતમાં માત્ર રૂ.28.72,728 જેટલો ઘટાડો થયો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે, આ વર્ષે વાહનો ઓછા વેચાયા હોવા છતાં ઉચી કિંમતના વાહનોની ખરીદીનું પ્રમાણ વધ્યું છે.

સૌથી મોટો ફટકો ટુ-વ્હીલર્સના વેચાણનો છે. ગત નવરાત્રિમાં કુલ 3,375 ટુ-વ્હીલર વેચાયાં હતાં, જ્યારે આ વર્ષે માત્ર 2,484 ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. એટલે કે ટુ-વ્હીલરના વેચાણમાં સીધો 891 વાહનનો ઘટાડો થયો છે. બીજી તરફ કારબજાર આ ઘટાડા સામે અડીખમ રહ્યું છે. ગત વર્ષે પેટ્રોલ-િડઝલ અને સીએનજી મળીને 402 કાર વેંચાઈ હતી આ વખતે 396 કાર વેચાઈ છે. મ્યુનિ.તંત્રને વાહન વેરા પેટે ગત વર્ષે 1.40 કરોડની આવક થઈ હતી જે આંકડો આ વખતે 1.59 કરોડનો થયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક