• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

વીજ માગને પહોંચી વળવા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ક્ષમતા વધારાશે

ગુજરાતમાં વીજ માંગ અને પુરવઠા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ મહત્ત્વપૂર્ણ સમીક્ષા બેઠક

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 20: રાજ્યમાં ઊર્જા ક્ષેત્રે સતત વધી રહેલી વીજ માગ અને પુરવઠાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે સરકારે લીધેલાં તાત્કાલિક પગલાં તેમજ ભવિષ્યના સુદૃઢ આયોજન અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

 બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર ભવિષ્યની જરૂરિયાતો અને સાંજની પીક અવર્સની માગને પહોંચી વળવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ) ક્ષમતા વધારવામાં આવી રહી છે. માર્ચ 2027 સુધીમાં 500 મેગાવોટ ક્ષમતા કાર્યરત થશે. દીર્ઘકાલીન આયોજનના ભાગરૂપે વર્ષ 2028-29થી સેન્ટ્રલ સ્ટેશનોમાંથી 2500 મેગાવોટથી વધુ વીજળી મળશે, જ્યારે 2031-32 સુધીની જરૂરિયાત માટે કેન્દ્ર પાસે વધુ 5000 મેગાવોટની માગણી કરાઈ છે. આ ઉપરાંત શક્તિ સ્કીમ હેઠળ 4,000 મેગાવોટના ટેન્ડર, એનપીસીઆઈએલ સાથે 4,200 મેગાવોટના ન્યુક્લીઅર પ્રોજેક્ટ અને ઉકાઈ, વણાકબોરી તથા ગાંધીનગર ખાતે નવા થર્મલ પ્લાન્ટ્સનું સુદૃઢ આયોજન હાથ ધરાયું છે.

 અહેવાલ મુજબ, તાજેતરમાં 16 ઓક્ટોબરે રાજ્યમાં અત્યાર સુધીની સર્વોચ્ચ 29,822 મેગાવોટની વીજ માગ નોંધાઈ હતી, જે ગત વર્ષના સરખામણીએ 36.6 ટકા વધુ છે. આ સિવાય દૈનિક વીજ વપરાશ પણ 27 ટકા વધીને 574 મિલિયન યુનિટ પહોંચ્યો હતો. રાજ્યમાં પૂરી પાડવામાં આવેલી કુલ વીજળીમાંથી પીજીવીસીએલમાં સૌથી વધુ 30 ટકા વપરાશ નોંધાયો છે. નબળા ચોમાસા, અલનિનોની અસર અને તાપમાન ઊંચું રહેવાને કારણે કાલિંગ લોડમાં વધારો થયો છે. સાથોસાથ ખેતીવાડી માટે દૈનિક 12,000 મેગાવોટ જેટલો મહત્તમ કૃષિ લોડ અને તહેવારોને લીધે ધમધમતા ઉદ્યોગોને કારણે માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. બીજી તરફ, ઓછા વરસાદથી હાઇડ્રો પાવર અને પવનની ઓછી ગતિના લીધે પવન ઊર્જાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

સાંજ પછી સોલાર ઉત્પાદન શૂન્ય થતાં માંગને પહોંચી વળવા સરકાર કોલસા અને ગેસ આધારિત પ્લાન્ટ્સમાંથી અવિરત સપ્લાય આપી રહી છે. ગ્રીડનું સંતુલન જાળવવા સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (એસએલડીસી) અને વિતરણ કંપનીઓ રાત-િદવસ કાર્યરત છે. કેન્દ્ર સરકારના સહયોગથી કોલસાના પુરવઠા માટે દિલ્હી ખાતે બેઠકો યોજી નવેમ્બર સુધી રોજના 10-11 અને ત્યારબાદ 13-14 રેઇલ રેકની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. આ ઉપરાંત એનટીપીસીના વિવિધ પ્લાન્ટ્સમાંથી પણ વધારાની વીજળી મેળવવાનું આયોજન કરાયું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક