મગફળીની આવક વધવા છતાં સટ્ટાખોરો બેફામ બનતા ગરીબ અને મધ્યમ વર્ગના રસોડામાંથી સીંગતેલ ગાયબ થવા લાગ્યું
રાજકોટ, તા.18: ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના રસોડામાંથી સીંગતેલ ગાયબ થાય તો નવાઈ નહીં કારણ કે ભાવ બેકાબૂ બન્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદ અને મગફળીની આવકો વધવા છતા સટોડીયાઓએ ખેલ પાડતા સીંગતેલના ભાવ સતત નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે.સીંગતેલના ડબોને ભાવ હવે 3200માં 20 જ છેટો રહેતા ગૃહિણીઓમાં ઉહાપોહ મચી ગયો છે.
મગફળીની આવકો માર્કેટ યાર્ડોમાં પોણો લાખ ગુણી થવા લાગી છે.વરસાદ આવી જતા પાકને ફાયદો થવાનો છે.જેથી સીંગતેલના ભાવ હવે ઘટવા લાગશે એમ સીંગતેલ ખાનારા વર્ગને આશા હતી. પરંતુ એ આશા ઠગારી નીવડી છે. મગફળીની આવકો પૂરતી માત્રામા થવા છતા સટોડીયા સક્રિય થતા ભાવ સતત નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે.એક સપ્તાહ પહેલા સીંગતેલના ડબાનો ભાવ રૂ.2920-2970 હતો. જે વધીને 3130-3180 ઉપર પહોંચી ગયો છે.જેથી સપ્તાહમાં જ સટૃખોરોની રમતને કારણે સીંગતેલમાં ડબે રૂ.210ની તેજી થઈ ગઈ હતી.સીંગતેલનો ડબો રૂ.3200ની નજીક પહોંચી જતા સીંગતેલ ખાનારો વર્ગ ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયો છે. નવી મગફળી પીલાણ લાયક ન હોવાથી માલની અછતને કારણે ભાવ વધી રહ્યો હોવાની વાત લોકોને ગળે ઉતરે તેવી નથી. મગફળીનું વાવેતર રાજ્યમાં 16 લાખ કરતા વધારે હેકટરમાં થયું છે. છેલ્લા બે દિવસથી વરસાદ પડવાનું શરૂ થતા પાકનું ચિત્ર પણ ઉજળુ બન્યું છે અને અંદાજે 25-28 લાખ ટન મગફળીના ઉત્પાદનની ધારણા છે. મબલખ ઉત્પાદનના અંદાજ છતા સટોડીયાની સિન્ડીકેટથી લોકોને સીંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે.
સીંગતેલના ભાવ એ હદે વધી ગયા છે કે કપાસિયા તેલના બે ડબા આવી જાય.સીંગતેલ સિવાયના તેલોના ભાવ વિશ્વ બજારની અસરથી સતત તૂટતા જાય છે.સીંગતેલમાં એક સપ્તાહમાં રૂ.210નો ઐતિહાસિક સાપ્તાહિક વધારો નોંધાયો છે.જેની સામે કપાસિયા તેલમાં ડબે માત્ર રૂ.10 વધતા રૂ.1550-1600 હતો.જ્યારે તેની સામે સાઈડ તેલોમાં ઘટાડો હતો. સોયાતેલમાં રૂ.30, સૂર્યમુખી અને મકાઈ તેલમાં રૂ.20 અને પામતેલમાં રૂ.10 ઘટી ગયા હતા. જેથી સીંગતેલ ખાનારો વર્ગ અન્ય તેલો તરફ વળી ગયો છે.