રાજકોટ, અમદાવાદ, તા. 8: ગુજરાતમાં ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડી અને ગરમીની મિશ્ર અસરો વચ્ચે હવે ઉત્તર-પૂર્વના પવનોને કારણે ‘બેવડી ઋતુ’નો અનુભવ થવા જઈ રહ્યો છે. લઘુત્તમ પારો નીચો જવાથી રાત્રે આંશિક ઠંડીનો જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં આ પ્રકારનું હવામાન રહી શકે છે. લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે અમદાવાદમાં 32.6 ડિગ્રી મહત્તમ અને 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઉંચુ મહત્તમ તામપાન સુરત અને રાજકોટમાં 34.2 ડિગ્રી જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી નોંધાયું છે. રાજ્યભરમાં બપોરે મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધીનું રહેશે.
હવામાન નિષ્ણાતોએ આગામી દિવસોમાં
હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 8 ફેબ્રુઆરી બાદ પશ્ચિમ
વિક્ષેપોની અસર જોવા મળશે. જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણ
બદલાઈ શકે છે. 10 ફેબ્રુઆરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જવાની
શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં 8થી 11 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર
ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે, જે ખેતી માટે અસરકારક બની શકે છે. હિમાલયના પહાડી
વિસ્તારોમાં થતી બરફવર્ષા અને ત્યાંથી આવતા ઠંડા પવનોની દિશા બદલાતા ગુજરાતના વાતાવરણમાં
આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે અકળાવનારી
ગરમીને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ખાંસીના કેસોમાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ
રહી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર
ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા
મળ્યો છે. જોકે, સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ
નોંધાયું હતું. રાજ્યમાં હાલમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ
રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ
મોટો ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદ શહેરમાં આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની
આગાહી કરવામાં આવી છે.