• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

મહિલા હેડ કોન્સ્ટેબલે એએસઆઈની હત્યા કરી લાશ કારમાં સળગાવી દીધી

મોડાસા, તા. 18 ઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામની સીમમાં હાથમતી નદી નજીક બળેલી અર્ટીગા કારમાંથી મળી આવેલા માનવ કંકાલના ચકચારી બનાવનો અરવલ્લી એલ.સી.બી. અને ભિલોડા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. અશ્વિનભાઈ બાબુલાલ તબિયાડ (ઉં.વ. 45)ની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે.

 પોલીસ તપાસમાં મૃતક અશ્વિનભાઈને ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન કલાસવા સાથે પ્રેમસંબંધ હોવાનું અને સંબંધોમાં ખટરાગના કારણે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યા બાદ આલ્ફાબેનના ભાઈ કલ્પેશભાઈ, પિતરાઈ ભાઈ પંકજભાઈ અને મિત્ર મનોજકુમારની મદદથી મૃતદેહને કોથળામાં ભરી અર્ટીગા કારમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ છાંટી કાર અને મૃતદેહને આગ ચાંપી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન આલ્ફાબેન પણ દાઝી ગયાં હતાં.

ટેક્નિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન અશોકભાઈ કલાસવા (ઉં.વ.37), કલ્પેશભાઈ કલાસવા (ઉં.વ.36), પંકજકુમાર કલાસવા (ઉં.વ.28) અને મનોજકુમાર નિનામા (ઉં.વ.33) એમ કુલ ચાર આરોપીઓને ઝડપી પાડÎા છે.

 આ મામલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં તા. 16 નવેમ્બરના રોજ હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અરવલ્લી એલ.સી.બી. પી.આઈ. એમ.એચ.ઝાલા અને ભિલોડા પોલીસની સંયુક્ત ટીમે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક