• શનિવાર, 13 જુલાઈ, 2024

ગાંધીનગરમાં એટીએમ કાર્ડ મેળવી ઠગાઈ કરનારા બે ગઠિયા ઝડપાયા એસઓજીએ 24 એટીએમ કાર્ડ કબજે કરી પૂછપરછ હાથ ધરી

અમદાવાદ, તા. 19: ગાંધીનગર શહેર તથા આસપાસના જિલ્લાઓમાં એટીએમ સેન્ટર બહાર મહિલા અને વૃદ્ધોને ટાર્ગેટ કરી રૂપિયા ઉપાડી આપવાનું કહીને એટીએમ કાર્ડ મેળવી ઠગાઈ કરતા બે ગઠિયાને ગાંધીનગર એસઓજીએ ઝડપી લઈને તેમની પાસેથી 24 એટીએમ કાર્ડ કબજે કરીને પૂછપરછ હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, ગાંધીનગરના સેક્ટર 24માં થોડા દિવસ પૂર્વે યુવતીને વિશ્વાસ આપીને તેનું કાર્ડ મેળવી 42 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યાં હતાં. જે અંગેનો ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર એસઓજીએ આ પ્રકારના ગુનાઓ કરતા આરોપીઓને પકડવા માટે તાકીદ કરાતા બાતમીના આધારે મહેસાણાના જોટાણા તાલુકાના માકણજ ગામે રહેતા નાગજી ઉર્ફે રાજુ પ્રભાતભાઈ રબારી અને જોટાણા ગામે રહેતા પ્રવીણ રણજીતભાઈ સલાટને ઝડપી લેવામાં આવ્યા હતા. 

આ બન્ને રીઢા ગુનેગારોએ અગાઉ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આ પ્રકારના ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમની પાસેથી 24 જેટલા એટીએમ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં એટીએમ કાર્ડથી છેતરાપિંડીની નવ જેટલી ઘટનાઓનો ભેદ ખુલ્યો હતો. આરોપીઓ પાસેથી મોબાઇલ અને બાઈક સહિતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક