• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

સુરત-કર્ણાટકના વેપારીએ બે વિવર્સો પાસેથી રૂ.1.17 કરોડનું ગ્રે કાપડ ખરીદી ચૂનો ચોપડયો

45 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનો વિશ્વાસ કેળવી, થોડી રકમ ચૂકવી : બાકીના નાણાં ન ચૂકવ્યા : પોલીસે શરૂ કરી તપાસ

સુરત, તા.ર8: કર્ણાટક ટાવર કિલ્લરી રોડ ખાતે આવેલા માં એમ.પી. સિલ્કનાં પ્રોપ્રરાયટરે સુરતના કાપડ દલાલ સાથે મળી સચીન જીઆઈડીસી ડાયમંડ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સહિતના બે વીવર્સ પાસેથી 45 દિવસમાં પેમેન્ટ આપી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી કુલ રૂ.1.17 કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી ચુનો ચોપડતા આખરે વિવર્સોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ગામ ખાતે આવેલ ઝાંસી ગાર્ડન નજીક મીરાનગરમાં રહેતા વિજય લવજીભાઈ વોરા (ઉ.44) સીચન જીઆઈડીસી ડાયમંડ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાવર લુમ્સનું ખાતુ ધરાવે છે. વિજયભાઈ પાસેથી 1 એપ્રિલ ર0ર1 થી 7 ફેબ્રુઆરી ર0ર4 સુધીમાં સુરતમાં આદિનાથ એજન્સીના નામે કાપડ દલાલીનું કામકાજ કરતા મનીષ જૈન સાથે મળી કર્ણાટક બેંગ્લોરમાં કિલ્લરી રોડ ચંપક ટાવરમાં ત્રીજા માળેમાં એમ.પી.સિલ્કના પ્રોપરાયટર હેમંતકુમાર શલુ ઈશરાનીએ 4પ દિવસમાં પેમેન્ટ ચુકવી આપવનો વિશ્વાસ અને ભરોસો આપી ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. જેમાંથી થોડુ પેમેન્ટ આપી બાકીના લેવાના નીકળતા રૂ.34,52,628 ચૂકવ્યા ન હતા.

આ ઉપરાંત બન્ને જણાએ કિશોરકુમાર પાનસુરિયા નામના વીવર્સ પાસેથી પણ રૂ.82,89,734નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. આમ હેમંતકુમાર અને મનીષ જૈનએ એકબીજાની મદદથી કુલ રૂ.1,17,42,362નો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવામાં ખોટા વાયદાઓ આપ્યા હતા તેમજ આપેલા ચેકો વિવર્સોએ પોતાના બેંક ખાતામાં જમા કરાવતા રિટર્ન થયા હતા. વિવર્સો દ્વારા મોબાઈલ ઉપર સંપર્ક કરતા ખોટા વાયદાના જવાબો આપી પેમેન્ટ નહી આપી હાથ ખંખેરી છેતરપિંડી કરી હતી. જેથી વિજય વોરાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લઈ તપાસ ઈકો સેલ દ્વારા શરૂ કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક