• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

નિવૃત્તિની અટકળો ઉપર રોહિતે મૂક્યું પૂર્ણવિરામ

ક્રિકેટ છોડીને હજી ક્યાંય જઈ રહ્યો નથી, સિડની ટેસ્ટમાંથી હટવાનો નિર્ણય પોતાનો : રોહિત શર્મા

નવી દિલ્હી, તા. 4 : સિડની ટેસ્ટમાં ડ્રોપ થયા બાદ રોહિત શર્માનાં સંન્યાસને લઈને અટકળો શરૂ થઈ હતી. જો કે હવે રોહિત શર્માએ પોતે જ નિવૃત્તિ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રોહિતે કહ્યું છે કે હજી તે ક્રિકેટ છોડીને ક્યાંય જઈ રહ્યો નથી. રોહિતે કહ્યું હતું કે તે આકરી મહેનત કરી રહ્યો હતો પણ સારું પ્રદર્શન થઈ રહ્યું નહોતું. એટલે સિડની ટેસ્ટમાંથી પોતાને અલગ રાખવો જરૂરી હતો.

રોહિતે કહ્યું હતું કે હજી તે ક્રિકેટ છોડવા જઈ રહ્યો નથી. તે ટૂંક સમયમાં નિવૃત્ત થવા જઈ રહ્યો નથી. તેણે માત્ર સિડની ટેસ્ટમાંથી હટવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેના બેટમાંથી રન થઈ રહ્યા નહોતા. રોહિત શર્માએ આગળ કહ્યું હતું કે તે આકરી મહેનત કરશે અને કમબેક કરશે. હજી રન બની રહ્યા નથી પણ એવી કોઈ ગેરન્ટી નથી કે પાંચ મહિના બાદ પણ રન બનશે નહીં. રોહિતના કહેવા પ્રમાણે માઈક પેન અથવા લેપટોપ ધરાવતી કોઈપણ વ્યક્તિ શું લખે છે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી.

આ દરમિયાન રોહિતે સ્પષ્ટતા કરી હતી કે સિડની ટેસ્ટમાંથી હટવાનો નિર્ણય પણ તેનો પોતાનો જ હતો. આ અંગે તેણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરને જાણકારી આપી હતી અને કહ્યું હતું કે સિડનીનો મુકાબલો ટીમ માટે મહત્ત્વનો છે. તેવામાં ફોર્મમાં રહેલા ખેલાડીઓ રમે તેવું પોતે ઈચ્છતો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક