ટેસ્ટના
બીજા દિવસે કુલ 15 વિકેટ પડી : ઓસ્ટ્રેલિયા
181માં સમેટાયા બાદ ભારતના બીજી ઈનિંગમાં 141-6 : પંતની તોફાની ઈનિંગ
નવી
દિલ્હી, તા. 4 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો અંતિમ ટેસ્ટ મેચ
સિડનીમાં ત્રીજી જાન્યુઆરીથી શરૂ થયો હતો.
મેચનો બીજો દિવસ ખુબ જ રોમાંચક રહ્યો હતો અને કુલ મળીને 15 વિકેટ પડી હતી અને 300થી
વધારે રન થયા હતા. કુલ મળીને બીજો દિવસ બોલરના નામે રહ્યો હતો અને બેટ્સમેન પરેશાનીમાં
રહ્યા હતા. તેમ છતા ભારતને મુકાબલામાં બઢત મળી છે. સ્ટમ્પના સમયે ભારતીય ટીમનો સ્કોર
બીજી ઈનિંગમાં છ વિકેટે 141 થયો છે. રવીન્દ્ર જાડેજા 8 રને અને વોશિંગ્ટન સુંદર છ રને
નોટઆઉટ રહ્યા હતા. આ ઉપરાંત ભારતની કુલ લીડ 145 રનની થઈ ચૂકી છે.
મેચની
પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 185 રનમાં ઢેર થઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ
પણ 181 રનમાં સમેટાઈ હતી.પર્થમાં ભારતે પહેલો
ટેસ્ટ મેચ 295 રને જીત્યો હતો. બાદમાં એડિલેડ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. ઉપરાંત
બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહ્યો હતો. અંતિમ મેચની બીજી ઈનિંગમાં તાબડતોડ શરૂઆત કરી હતી.
યશસ્વી જયસવાલે બીજી ઈનિંગમાં સ્ટાર્કની પહેલી જ ઓવરમાં 16 રન કરી લીધા હતા. જો કે
ટીમને પહેલો ઝટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો. પહેલી વિકેટ માટે રાહુલ અને યશસ્વી વચ્ચે 45 બોલમાં 42 રનની પાર્ટનરશિપ થઈ હતી. રાહુલ
બાદ યશસ્વી 22 રને આઉટ થયો હતો. કોહલીનું ખરાબ ફોર્મ જારી રહ્યું હતું અને છ રને જ
પેવેલિયન પરત ફરી ગયો હતો. શુભમન ગીલ પણ 13 રન કરી શક્યો હતો.
78 રને
ચાર વિકેટ પડયા બાદ ઋષભ પંતે ભારતીય ઈનિંગ સંભાળી હતી. પંતે છગ્ગા ચોગ્ગાનો વરસાદ કરતા
માત્ર 29 બોલમાં અર્ધસદી કરી હતી. પંત 33 બોલમાં 61 રન કરીને આઉટ થયો હતો. નીતિશ રેડ્ડીએ
બીજી ઈનિંગમાં પણ નિરાશ કરતા ચાર રને પરત ફર્યો હતો.
આ અગાઉ
ઓસ્ટ્રલિયાની પહેલી ઈનિંગ 181 રનમાં સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી ઈનિંગમાં
બ્યુ વેબસ્ટરે સર્વાધિક 57 રનની ઈનિંગ રમી હતી. પહેલી ઈનિંગમાં ભારત તરફથી મોહમ્મદ
સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ત્રણ ત્રણ વિકેટ મળી હતી. જ્યારે નીતિશ રાણા અને જસપ્રીત
બુમરાહને બે બે સફળતા મળી હતી.