• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

ઓલિમ્પિક માટે ગુજરાતનું ‘વોર્મઅપ’ : વૈશ્વિક સ્તરની રમતોના આયોજન

2036ના ઓલિમ્પિક માટે ગુજરાત થઈ રહ્યું છે સજ્જ : મુખ્યમંત્રી, રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ-3.0નો રાજકોટથી પ્રારંભ

ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ જિલ્લાઓ, મહાપાલિકાઓ, શાળાઓને સન્માનિત કરાયા

ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખૂણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગોંડલ એસ.ટી.ડેપો વર્કશોપના ઈ-લોકાર્પણ સાથે એસ.ટી.ની 8 નવી વોલ્વો બસને ફ્લેગ ઓફ કરાયું

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ તા. 4 : 2036માં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવ માટે નોંધાવેલી પોતાની દાવેદારી માટે ગુજરાત હવે પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે તેમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટમાં ખેલ મહાકુંભ 0.3ને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ખેલ મહાકુંભ પણ એક રીતે જોઈએ તો તેની જ તૈયારી છે. અમારો પ્રયાસ છે કે ઓલિમ્પિક પૂર્વે વિશ્વ સ્તરના પાંચ રમતોત્સવ ગુજરાતમાં અમે યોજીએ. મુખ્યમંત્રીએ કહ્યું કે 2025, 2026 અને 29માં અહીં વિશ્વસ્તરના રમતોત્સવ યોજાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અઢી દાયકાથી ગુજરાતને અને દેશને નરેન્દ્રભાઈના વિઝનનો લાભ મળી રહ્યો છે. 2010માં 16 લાખ રજિસ્ટ્રેશનથી શરૂ થયેલા ખેલ મહાકુંભમાં આજે 71 લાખ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આજે રમતગમત માટે ગુજરાત સરકારનું બજેટ પણ રૂ. 352 કરોડે પહોંચ્યું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2010માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં ખેલકૂદને પ્રોત્સાહન મળે અને રમતવીરોને શાળાથી લઈ તમામ સ્તરે રમત માટે એક ખાસ મંચ ઉભો થાય તેવી વ્યવસ્થા સાથે ખેલ મહાકુંભનો પ્રારુંભ કરાવ્યો હતો. હવે વડાપ્રધાનનું આ ધ્યેય હવે સાકાર થઈ રહ્યું છે અને ગુજરાતના રમતવીરો આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહ્યાં છે. 2036ની ઓલિમ્પિક ગુજરાતમાં યોજવા દાવેદારી કરાઈ છે અને તેમાં પણ ગુજરાતના રમતવીરો ઉભરી આવે તેવા પ્રયાસોના ભાગરૂપે રાજ્યમાં ખેલમહાકુંભ-3.0 યોજવામાં આવ્યો છે. એકંદરે ઓલિમ્પિકની તૈયારી માટે આ ખેલમહાકુંભ પ્રથમ પગથિયું હોવાનું મનાઈ રહ્યું છે.

રાજ્યકક્ષાના ખેલમહાકુંભ3.0નો રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એથ્લેટીક ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતુ કે, પ્રયાગરાજ મહા કુંભમેળાના એક અઠવાડિયા પહેલાં ગુજરાત ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ એક શુભ સુયોગ છે. આજે દેશમાં રમતગમત અને ખેલકુદના ક્ષેત્રમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે. વર્ષ 2024નું ગત વર્ષ ભારત માટે રમતગમત ક્ષેત્ર અનેક ઉપલબ્ધિનું વર્ષ બન્યું છે. રમત-ગમત માટેનું બજેટ બે દાયકામાં અઢી કરોડથી વધારીને રૂ.352 કરોડ કરાયું છે. 22 જિલ્લામાં 24 સ્પોર્ટસ કોમ્પલેક્ષ કાર્યરત છે અને નવા 13 કોમ્પલેક્ષનું બાંધકામ પ્રગતિમાં છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, વડાપ્રધાન મોદીએ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દેશને સજ્જ કરવાનું મિશન ઉપાડયું છે. 2036 પહેલાં સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમ વિકસે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ઓલિમ્પિકમાં દેશને વધુ મેડલ મળે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટોપ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પણ ઓલિમ્પિક 2036 વોર્મઅપના ભાગરૂપે આ વર્ષે તેમજ 2026 તથા 2029માં પણ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલી વર્લ્ડક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રત્યનશીલ છે. વર્ષ 2010માં જે ખેલમહોત્સ 16 લાખ રમતવીરોથી શરૂ થયો તો તે આજે ખેલ મહાકુંભ 3.0માં 71 લાખ જેટલું રજિસ્ટ્રેશન અને આ રજિસ્ટ્રેશન સાથે દરેક ખેલાડી વિજેતાઓને 45 કરોડના ઇનામોથી નવાજવાના છે.

રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વર્ષ 2010 બાદથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખૂણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતને અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ ખેલાડીઓ મળ્યા છે. ગુજરાતનો ખેલાડી મેદાનમાં ઉતરે ત્યારે ભલ ભલાનો પરસેવો છોડાવી દે તેવો સામર્થ્યવાન આ ખેલ મહાકુંભના પરિપાક રૂપે બન્યો છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી, ગોંડલ એસ.ટી. વર્કશોપનું ઈ-લોકાર્પણ કરવા સાથે આઠ નવી હાઈટેક વોલ્વો બસને ફ્લેગઓફ પણ કરાવી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, ખેલ મહાકુંભે રાજ્યમાં અનોખી રમત-ગમત સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. આ સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેલમહાકુંભ 3.0નાં પ્રારંભ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ, શાળાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સ્પેશિયલ પર્ફોર્મન્સ તરીકે તૈયાર કરવામાં આવેલા ગીત ‘ખેલ ખેલ મે’નું સ્પેશિયલ ક્રાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓ દ્વારા જીમ્નાસ્ટીક ડાન્સ, ક્લાસિકલ, વોલીબોલ, રોપ ડાન્સ, સ્કેટીંગ, કથ્થક, મલખમ, યોગાનું અદ્ભુત કોમ્બીનેશન રજૂ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની રૂ.15 લાખના ખર્ચે નિર્મિત હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. જેનો કાર્યક્રમ ધીરજમુનિ મહારાજની નિશ્રામાં અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં જશ-પ્રેમ-ધીર સંકુલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અબોલ જીવ માટે કાર્યરત ’કરુણા અભિયાન’ની સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ ધીરજમુનિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ધીરજમુનીએ મુખ્યમંત્રીને જૈન રામાયણ અર્પણ કરી હતી.

-----------

કન્વેન્શન સેન્ટર આપ્યું ! તમે ફક્ત જગ્યા નક્કી કરો : મુખ્યમંત્રી

રાજકોટ તા. 4 : ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. અહીં તેઓએ ચેમ્બરના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી હતી. જેમાં મુખ્ય પ્રશ્ન કન્વેન્શન સેન્ટરનો છે. આ મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, સરકાર કન્વેન્શન સેન્ટર આપવા તૈયાર જ છે. અહીં કલેકટર અને કમિશનર પણ છે. તમે જગ્યા નક્કી કરો સરકાર તરત મંજૂરી આપશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સૌરષ્ટ્રમાં પથ્થરમાંથી પાણી કાઢે તેવા સક્ષમ લોકો છે. અહીં ગ્રીન એનર્જી મળે તેવી તૈયારી પણ ચાલુ છે. વડાપ્રધાને ગ્રીન એનર્જી ગુજરાતને મળે તેવું આયોજન પણ કર્યું છે. ચેમ્બરને ઉદ્દેશીને કહ્યું કે, તમારા બધાની 118 ફરિયાદો હતી તેમાંથી 8 રાખી છે અને તે ફરિયાદ નથી માગણી છે. જે માગણી હશે તે સરકાર તરત સ્વીકારશે.

હવે આગામી બે દિવસમાં રાજકોટની હદમાં ખાસ કરીને એરપોર્ટ આસપાસ જમીન અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ આગામી સપ્તાહે ગાંધીનગર જઈને મુખ્યમંત્રી સાથે વિસ્તારમાં ચર્ચા કરવામાં આવશે.

ચેમ્બરને જગ્યા ફાળવવા આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે સંદર્ભે પણ ભુપેન્દ્રભાઈએ તત્કાલ કામગીરી કરવા જણાવ્યું હતુ. આ સાથે રાજકોટના જીઆઈડીસી, જંત્રીદર અને ઈમ્પેક્ટ ફી તેમજ રાજકોટના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રૂડાના ચેરમેનની ખાલી જગ્યા ભરવા સહિતના મુદ્દે ચેમ્બરના આગેવાનોએ રજૂઆત કરી હતી. જેનો પણ ઉકેલ લાવવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક