ઓસ્ટ્રેલિયામાં
સૌથી ઝડપી અર્ધસદી કરનારો મહેમાન બેટ્સમેન બન્યો
સિડની,
તા. 4 : ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા સામે પાંચમા અને અંતિમ
ટેસ્ટ મેચમાં તાબડતોડ બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ફિફ્ટી માટે તરસી રહેલા
પંતના બેટમાંથી સિડનીના ગ્રાઉન્ડ ઉપર તોફાન નીકળ્યું હતું. પંતે શનિવારે ભારતની બીજી
ઇનિંગ દરમિયાન 33 બોલમાં 61 રન કર્યા હતા. આ દરમિયાન 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા
હતા. પંતે માત્ર 29 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને નવો રેકોર્ડ બનાવ્યો હતો. પંતે
129 વર્ષ જૂનો એક રેકોર્ડ તોડયો હતો. પંતે પહેલી ઇનિંગમાં 98 બોલમાં 40 રન કર્યા હતા.
હકીકતમાં
પંત ઓસ્ટ્રેલિયાની જમીન ઉપર સૌથી ઝડપી ટેસ્ટ અર્ધસદી કરનારો મહેમાન બેટ્સમેન બન્યો
છે. પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે ઇંગ્લેન્ડના જોન બ્રાઉન અને વેસ્ટ ઇન્ડિઝના રોય ફ્રેડરિક્સનાં
નામે હતો. બ્રાઉને 1895માં મેલબર્નમાં અને ફ્રેડરિક્સે 1975માં પર્થમાં 33 બોલમાં અર્ધસદી
કરી હતી. પંતે આ સાથે જ ભારતીય પ્લેયર દ્વારા બીજી સૌથી ઝડપી ટેસ્ટ અર્ધસદીનો રેકોર્ડ
પણ કર્યો છે. સૌથી ઝડપી અર્ધસદી પણ પંતનાં નામે જ છે. તેણે 2022મા શ્રીલંકા સામે
28 બોલમાં અર્ધસદી કરી હતી.