• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

ભારત સામેના કાવતરાખોર સોરોસને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

મુંબઈ, તા.4: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપી ચૂકેલા અબજોપતિ રોકાણકાર(ઇન્વેસ્ટર) જ્યોર્જ સોરોસને અમેરિકાની જો બાઇડન સરકાર દ્વારા અમેરિકાના સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપવામાં આવશે. અમેરિકાના પ્રમુખ જો બાયડનના સત્તાવાર નિવાસસ્થાન તેમ જ કાર્યાલય વ્હાઇટ હાઉઝમાં 19 લોકોને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રેસિડેન્શિયલ મેડલ અૉફ ફ્રીડમથી નવાજવામાં આવશે. આ 19 લોકોમાં ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલરી ક્લિંટન ઉપરાંત જ્યોર્જ સોરોસનો પણ સમાવેશ થાય છે.

ભારતના અર્થતંત્ર વિરુદ્ધ અવારનવાર નિવેદનો આપવા ઉપરાંત કહેવાતા માનવતાવાદી સંગઠનોને નાણા આપી ભારત સહિતના એશિયાઇ દેશોમાં સત્તાપલટો કરાવવામાં સોરોસની ભૂમિકા ચર્ચામાં છે. બાંગ્લાદેશમાં સત્તાપલટામાં પણ સોરોસનો હાથ હોવાનું  કહેવાઇ રહ્યું છે. ભારતના વિપક્ષી નેતાઓ અમેરિકા યાત્રાએ જાય ત્યારે એમની સાથેના સંબંધો પણ હંમેશા ચર્ચામાં રહ્યા છે.

વ્હાઇટ હાઉઝ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાનો આ સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર એ લોકોને આપવામાં આવે છે જેમણે અમેરિકાની સમૃદ્ધિ, સુરક્ષા અને વૈશ્વિક શાંતિમાં યોગદાન આપ્યું હોય અથવા અન્ય સામાજિક, સાર્વજનિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હોય. અમેરિકા અને દુનિયાને એક વધુ સારું સ્થાન બનાવી છે.

ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર આપવામાં કોઇપણ પ્રકારનો પક્ષપાત કરવામાં નથી આવતો, પરંતુ રાષ્ટ્ર પ્રમુખ આ પુરસ્કાર કોને આપવો એ નક્કી કરે છે. બાઇડને આ સન્માન પોતાના રાજકીય પક્ષના ભૂતપૂર્વ સહકારી તેમ જ 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચૂંટણી લડી ચૂકેલા હિલેરી ક્લિંટન ઉપરાંત રોકાણકાર જ્યોર્જ સોરોસને આપવાનો નિર્ણય લીધો તે ચર્ચાનો વિષય બન્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક