172
કરોડ ચુકવવાના બાકી પુષ્કળ જમીનો, 30 દુકાનો, ફાર્મ હાઉસ ખરીદ્યા’તા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.4: બીઝેડ કૌભાંડના સીઇઓ ભૂપેન્દ્રાસિંહ ઝાલા આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સ ખરીદવાનો
હોવાનો ખુલાસો થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવેમ્બર મહિનામાં ભૂપેન્દ્રાસિંહ
ઝાલા આઈપીએલટીમ ખરીદવાનો હતો. સાત દિવસના રિમાન્ડ પુરા થતા ઝાલાને કોર્ટ સમક્ષ રજૂ
કરવામાં આવ્યો હતો. કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. કોર્ટે
7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સીઆઇડી
ક્રાઇમની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. ભૂપેન્દ્રાસિંહ ઝાલાએ નવેમ્બર મહિનામાં
આઈપીએલની ટીમ ગુજરાત ટાઇટન્સને ખરીદવાની તૈયારી બતાવી હતી. જોકે, રિમાન્ડ દરમિયાન તપાસ
એજન્સીના હાથે કોઇ નક્કર હકીકત સામે આવી નથી.
સીઆઈડીએ
પોન્ઝી સ્કીમ સ્કેમ મામલે ખુલાસો કર્યો હતો કે, ઝાલાએ રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ કર્યું
છે. પરંતુ બાદમાં તેણે જ આ રકમ ઘટાડી રૂ. 450 કરોડ કરી હતી. સીઆઈડીએ જણાવ્યું કે, “ઝાલાના
બિનઔપચારિક એકાઉન્ટ બુકમાં રૂ.52 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આ સાથે કૌભાંડ
રૂ. 450 કરોડનું થયું છે. દરોડા અને વધુ તપાસની સાથે આ કૌભાંડની રકમ વધતી જશે.
દરમિયાનમાં
સીઆઇડીની તપાસ દરમિયાન મોટા ખુલાસાઓ થયા છે. ભૂપેન્દ્રાસિંહ ઝાલાની વેબસાઇટમાં રોકાણકારોની
એન્ટ્રી મુજબ 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ 422.96 કરોડ મહિને
3% વ્યાજ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપવાનું વચન આપી 11232 રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં
આવ્યા હતા. સીઆઇડીએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે ભૂપેન્દ્રાસિંહ ઝાલાએ રોકાણકારો
પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા બાકી
આપવાના નીકળ્યા છે. તો આ નાણા ક્યા વાપરવામાં આવ્યા તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવાની
બાકી છે.
ભૂપેન્દ્રાસિંહ
ઝાલાએ રોકાણકારોને આકર્ષવા માટે બીઝેડ સ્કિમમાં એજન્ટોની કમિશન પર નિમણૂક કરી હતી.
જો કોઇ એજન્ટ બીઝેડમાં રોકાણ કરાવે છે તો તેને 0.5% થી 1 ટકા જેટલું કમિશન આપવામાં
આવતું હતું. આ એજન્ટોને પાંચ અલગ અલગ લેવલે સેટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ હરોળના
એજન્ટો કરોડો રૂપિયાનું રોકાણ લાવી આપતા હતા. એજન્ટો અને રોકાણકારો દ્વારા કરવામાં
આવેલુ રોકાણની નોંધ એક લેપટોપમાં રાખવામાં આવતી હતી. આ લેપટોપ ભૂપેન્દ્રાસિંહ ઝાલાના
કૌભાંડનો મહત્ત્વનો પુરાવો હોઇ આ લેપટોપ કબ્જે કરવા માટે સીઆઇડીક્રાઇમ દ્વારા વધુ રિમાન્ડની
માંગ કરી હતી.
ઉપરાંત
રોકાણકારોને 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાવીને વિશ્વાસમાં
લેવામાં આવતા હતા. સીઆઇડીની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, બીઝેડ ગ્રુપ દ્વારા
12518 સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા. વેબસાઇટમાં કુલ 11232 રોકાણકારોની જ એન્ટ્રી છે
પરંતુ 1286 જેટલા રોકાણકારોની એન્ટ્રી સીઆઇડી ક્રાઇમને મળી નથી અને તેની નોંધ પણ ક્યાય
કરવામાં આવી નથી. એગ્રીમેન્ટમાં લગાડેલા તમામ સ્ટેમ્પ ધી મોડાસા નાગરિક સહકારી બેંક
લીમીટેડ અને સર્વોદય સહકારી નાગરિક બેંક મોડાસામાંથી મેળવ્યા હતા. ભૂપેન્દ્રાસિંહ ઝાલાની
બીઝેડ સ્કીમમાં 230 જેટલા રોકાણકારોએ 25 લાખથી
લઇને 4 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે.જોકે, સીઆઇડીક્રાઇમના હાથે આ રોકાણકારોમાંથી
મોટાભાગના રોકાણકારોના ટ્રાન્જેક્શન હાથ લાગ્યા નથી.સીઆઇડીને શંકા છે કે આ 230 રોકાણકારોના
વ્યવહારો કેશ એટલે કે બ્લેકમાં થયા હોઇ શકે છે.
આ સિવાય
બીઝેડના નામે ભૂપેન્દ્રાસિંહ ઝાલાએ ખરીદેલી પ્રોપર્ટીઓ સામે આવી જે અનુસાર ભૂપેન્દ્રાસિંહ
ઝાલાએ બીઝેડના નામે મોડાસા શહેરમાં 10 વીઘા જમીન, મોડાસાના સાકરિયા ગામમાં 10 વીઘા
જમીન, લિંભોઇ ગામ પાસે 3 વીઘા જમીન, માણસામાં 3 પ્લોટનું ફાર્મ હાઉસ, હિંમતનગરના રાયગઢમાં
5 દુકાનનું એક કોમ્પલેક્સ, હિંમતનગરના અડપોદરા
ગામમાં 5 વીઘા જમીન, હડિયોલ ગામમાં 10 દુકાન, ગ્રોમોર કેમ્પસ પાછળ 4 વીઘા જમીન,
તલોદના રણાસણ ગામમાં 4 દુકાન, મોડાસા ચોકડી પર 1 દુકાન, માલપુરમાં 1 દુકાન ખરીદી છે.
બીઝેડપોન્ઝી
સ્કીમ મામલે તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની એફ.એક્સ ટ્રાડિંગ નામની કંપનીમાં
કામ કરીને ભૂપેન્દ્રાસિંહ ઝાલા ટ્રાડિંગ અને માર્કાટિંગની સ્કિલ શીખ્યો હતો. આ પહેલા
એમ.વે.નામની કંપનીમાં એજન્ટ તરીકે ભૂપેન્દ્રાસિંહ ઝાલા કામ કરતો હતો. ભૂપેન્દ્રાસિંહ
ઝાલાએ સૌથી પહેલા વાયએફઆઈ (યર્ન ફાઈનાન્સ) કોઈનમાં રૂપિયા 10 કરોડ રોકાણ કર્યું હતું.
જેમાં તેણે રોકાણ સામે 18 કરોડ મેળવ્યા હતા. ભૂપેન્દ્રાસિંહ ઝાલાએ અત્યાર સુધી 422
કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવ્યા હતા. હજુ પણ 172 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે.
આરોપી
ભૂપેન્દ્રાસિંહ ઝાલાના મોબાઇલ ફોનમાંથી બીઝેડગ્રુપના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ
ચેટની વિગતો મળી આવી છે, તેમજ પુછપરછ દરમ્યાન બીઝેડફાઇનાન્સિયલ સર્વિસીઝની કુલ-17 શાખાઓ
જેમાં (1) પ્રાંતિજ શાખા (2) હિમતનગર શાખા (3) વિજાપુર શાખા (4) પાલનપુર શાખા (5) રાયગઢ
શાખા (6) ભીલોડા શાખા (7) ખેડબ્રહ્મા શાખા (8) ગાંધીનગર (9) રણાસણ શાખા (10) મોડાસા
શાખા (11) માલપુર શાખા (12) લુણાવાડા શાખા (13) ગોધરા શાખા (14) બાયડ શાખા (15) વડોદરા શાખા (16) ડુંગરપુર
(રાજસ્થાન) (17) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી. આ શાખાઓ મારફતે રોકાણકારો
પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધેલ હોવાની માહિતી મળી આવી છે.
બીઝેડગ્રુપના
કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે એક એજન્ટ સહિત બીઝેડના સ્ટાફ સાથે સીઆઇડી ક્રાઇમે 7 આરોપીઓની
ધરપકડ કરી છે. મુખ્ય એજન્ટ મયુર દરજી, વિશાલાસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી,
સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરાસિંહ ચૌહાણની ધરપકડ થઇ ચુકી છે.