જામનગર તા.11 : જામનગરના ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વોની ટોળકીનો આતંક વધી ગયો છે, અને દિન પ્રતિદિન વાહનચાલકો તથા અન્ય પ્રજાજનોને પરેશાની કરવા અંગેના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, તેવો જ એક કિસ્સો ગઈકાલે સાંજે ટાઉનહોલ સર્કલમાં બન્યો હતો.
લુખ્ખા તત્વોની ટોળકીએ એક સીટી બસને જાહેર માર્ગ પર થંભાવી દીધી હતી, ત્યારબાદ બસમાં ચડી જઇ તેના ચાલકને ધોકાવી નાખ્યો હતો. જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસ માર્ગની વચ્ચોવચ થંભી ગઈ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, અને વાહનોના થપ્પા લાગી ગયા હતા. જે સમયે ભારે દેકરો થવાના કારણે લુખ્ખા તત્વોની ટોળકી ત્યાંથી ભાગી છૂટી હતી. આખરે મોડેથી સીટી બસના ચાલકે સ્વસ્થ થઈને ફરીથી પોતાના કબજાની સીટી બસને આગળ જવા દીધી હતી, જેથી ધીમે ધીમે ટ્રાફિક મુક્ત થયો હતો.