• શનિવાર, 05 એપ્રિલ, 2025

બોટાદ પાલિકા કચેરીમાં પૂર્વ ઈન્ચાર્જ ફાયર ઓફિસર ચિફ ઓફિસર સામે ધરણા ઉપર ઉતરતા ઘરપકડ

- ચીફ ઓફિસર સામે વીડિયો વાયરલ અને આક્ષેપ થતા ઇન્ચાર્જ

ફાયર ઓફિસરને હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા હતા

 

બોટાદ, તા.3: બોટાદ નગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અને ચીફ ઓફિસર વચ્ચે ચાલી રહેલા વિવાદ થમવાનું નામ લેતો નથી. અગાઉ ચીફ ઓફિસર દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે વીડિયો વાયરલ કરનાર ઇન્ચાર્જ ફાયર ઓફિસર બે દિવસથી બોટાદ નગરપાલિકા કચેરી ખાતે ઘરણાં ઉપર ન્યાય માટે ઉતરી આવ્યા હતા. જ્યારે  ઘરણા પર બેસવાની મંજૂરી ન હોવાના કારણે આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

બોટાદ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ફાયર વિભાગના ઇન્ચાર્જ ઓફિસર અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં થોડા સમય પહેલા જ ફાયર ઇન્ચાર્જ ઓફિસરે ચીફ ઓફિસર દ્વારા માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરવામાં આવતા હોય જેને લઈ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર એકાએક હરકતમાં આવ્યા હતા અને પૂર્વ ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાધલની તાત્કાલિક ઇન્ચાર્જ ફાયર ઓફિસરમાંથી બદલી કરી હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગના પૂર્વ ઇન્ચાર્જ ઓફિસર રાજુભાઈ ધાધલે ચીફ ઓફિસર દ્વારા સીટી બસનો જે વાહન વ્યવહાર ચાલે છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઇ આની સચોટ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ સાથે તેઓ છેલ્લા બે દિવસથી નગરપાલિકાના પરિસરમાં ધરણા ઉપર બેઠા હતા પણ ઘરણા ઉપર બેસવાની કોઈ મંજૂરી લેવામાં ન આવતા આજે તેમની પોલીસે ધરપકડ કરીહતી અને તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે..

પૂર્વ ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાધલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ એસ.પી કલેક્ટર અને નગરપાલિકાના સત્તાધીશોને લેખિત રજૂઆત કરેલી છે પણ ઘરણા ઉપર બેસવાની મંજૂરી લીધેલ ન હોય જેને લઇ આજે મારી ધરપકડ કરવામાં આવી છે પણ અહીંયાથી મારો ઘરણાં ઉપવાસ બંધ રહેતો નથી મારો ધરણા કાર્યક્રમ હું મારા ઘરે કરીશ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક