• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

‘હવેથી અમારા ગામમાં વીજ ચેકીંગ માટે આવ્યા તો ધોકાવાળી થશે’

ભાવનગરના ડુંગરપુર ગામમાં વીજ ચેકીંગ માટે ગયેલી ટીમને ગામના ઈસમે ધમકી આપી ફરજમાં રુકાવટ કરી

ભાવનગર, તા.9: પાલીતાણા તાલુકાનાં ડુંગરપુર ગામમાં વીજ ચેકીંગ માટે ગયેલી વીજ કંપનીની ટીમને ગામમાં રહેતા શખસે પોતાની કાર આડી ઉભી રાખી ધોકાવાળી કરવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરતા વીજ કંપનીના નાયબ ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વીજ કંપની દ્વારા પાલીતાણાનાં ગ્રામ્ય વિસ્તારમાં ગઈ કાલે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું, પાલીતાણા ગ્રામ્ય સબ ડિવિઝનની ટીમ સહિતની અલગ અલગ ટીમ દ્વારા ડુંગરપુર ગામમાં ચેકીંગ કરતી હતી તે દરમિયાન ગામમાં રહેતા દિલીપભાઈ ભીમજીભાઈ ડાભીના ઘર, હીરાનું કારખાનું તેમજ આસપાસના જોડાણમાં ચેકીંગ કરીને ટીમ પરત જતી હતી ત્યારે ચેતન ભીમજીભાઈ ડાભીએ પોતાની ઈનોવા કાર આડી ઉભી રાખી દીધી હતી અને લોકો પણ ભેગા થઈ ગયા હતા. ચેતનભાઈએ વીજ કંપનીની ટીમ સાથે માથાકૂટ કરી, ‘ચેકીંગ થઈ ગયું, બધુ ચોખ્ખુ નીકળ્યું ને ?, હવે જો જીઈબીવાળા ગામમાં આવ્યા તો ધોકાવાળી કરવાની છે, તમારે જે કરવું હોય તે કરજો હવે પછી આવ્યા તો સારા જશો નહીં’ તેમ કહી વીજ કંપનીની ટીમની કામગીરીમાં રુકાવટ કરી ધમકી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક