• શનિવાર, 19 એપ્રિલ, 2025

ટીમ ઇન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરને ગડગડિયું BCCIએ અન્ય બે સહયોગી કોચિંગ સ્ટાફને પણ દૂર કર્યાં

મુંબઇ, તા.17: ટીમ ઇન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરનો કોન્ટ્રાક બીસીસીઆઇએ સમાપ્ત કર્યો છે. તેની નિયુક્તિને હજુ એક વર્ષ પણ થયું ન હતું. અભિષેક નાયર ગત સાલ જુલાઇમાં હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં સામેલ થયા હતા. આ પછી ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની 0-3ની અને ઓસ્ટ્રેલિયા પ્રવાસની 1-3ની ટેસ્ટ હાર ટીમ ઇન્ડિયાને મળી હતી. આ બે શ્રેણીની નિષ્ફળતા પછી બીસીસીઆઇની રીવ્યૂ મિટિંગમાં અભિષેક નાયરની વિદાયનો નિર્ણય લેવાયો હતો. આ મીટિંગમાં બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સૈકિયા, હેડ કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને ટેસ્ટ-વન ડે કપ્તાન રોહિત શર્મા હાજર રહ્યા હતા.

બીસીસીઆઇએ આ ઉપરાંત ફિલ્ડીંગ કોચ ટી. દિલીપ અને સ્ટ્રેંથ એન્ડ કન્ડીશનિંગ કોચ સોહમ દેસાઈને પણ તેમના ત્રણ વર્ષના કરાર પહેલા પદ પરથી હટાવી દીધા છે.

મુંબઇના પૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર ભારત તરફથી 3 વન ડે મેચ રમ્યા છે. તે કોલકતા નાઇટ રાઇડર્સમાં ગંભીરના સહાયક કોચ રહી ચૂક્યા છે. તેમના રહેતા કેકેઆર ટીમ 2024માં આઇપીએલ ચેમ્પિયન બની હતી. સૌરાષ્ટ્રના પૂર્વ કપ્તાન સિંતાશુ કોટકને ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ટીમના બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. આ પછીથી નાયરને વિદાય નિશ્ચિત સમાન બની હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક