• શનિવાર, 19 એપ્રિલ, 2025

‘કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી શકે નહીં’

ઉપરાષ્ટ્રપતિ ધનખડે નારાજગીભેર કહ્યું : કેટલાક જજ ‘સુપર સંસદ’ જેમ વર્તે છે

નવી દિલ્હી, તા. 17 : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના એ આદેશની આકરી ટીકા કરી છે જેમાં રાષ્ટ્રપતિને રાજ્યપાલો તરફથી વિચાર માટે મોકલવામાં આવેલા ખરડા ઉપર ડેડલાઈનની અંદર એક્શન લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મામલે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારતમાં ક્યારેય એવું લોકતંત્ર નથી રહ્યું, જેમાં ન્યાયાધીશ કોઈ લો મેકર, કાર્યપાલિકા અને સુપર સંસદ તરીકે કામ કરે.

રાજ્યસભા ઈન્ટર્ન ગ્રુપને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે એક ચુકાદામાં રાષ્ટ્રપતિને નિર્દેશ આપવામાં આવ્યો છે, દેશમાં આ શું થઈ રહ્યું છે? સંવૈધાનિક સરહદના ઉલ્લંઘન ઉપર ચિંતા વ્યક્ત કરતા ધનખડે રાષ્ટ્રપતિના શપથ યાદ અપાવ્યા હતા અને ભાર મુકીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિનું સ્થાન ખુબ ઉંચું છે જ્યારે અન્ય લોકો માત્ર સંવિધાનનું પાલન કરવાના શપથ લેતા હોય છે.

સંવૈધાનિક જોગવાઈનો હવાલો આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે  આવા મામલામાં ન્યાયપાલિકા પાસે એકમાત્ર અધિકાર અનુચ્છેદ 145(3)ના હેઠળ સંવિધાનની વ્યાખ્યા કરવાનો છે.તે પણ પાંચ અથવા તેનાથી વધારે ન્યાયાધીશની બેંચ દ્વારા કામગીરી થવી જોઈએ. અનુચ્છે 142 લોકતાંત્રિક શક્તિઓ સામે એક પરમાણુ મિસાઈલ બની ગયો છે. જે ન્યાયપાલિકા પાસે હંમેશાં ઉપલબ્ધ રહે છે.

ન્યાયિક અતિક્રમણ મુદ્દે ચેતવણી આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણી પાસે એવા જજ છે જે કાયદો બનાવશે, કાર્યપાલિકાની જેમ કામ કરશે અને સંસદના રૂપમાં કામ કરશે અને તેમની કોઈ જવાબદારી પણ રહેશે નહી. કારણ કે દેશનો કાયદો તેમના ઉપર લાગુ થતો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક