• શનિવાર, 19 એપ્રિલ, 2025

ચીનનો માલસામાન ભારતમાં ઠલવાવાનો ભય

અમેરિકા સાથે ટ્રેડવોરને લીધે ચીન ભારતમાં માલ ડિસ્કાઉન્ટથી વેચવાનું શરૂ કર્યુ

રાજકોટ, તા.17 (ફૂલછાબ ન્યૂઝ) : અમેરિકાએ ચીન ઉપર વધારે ટેરિફ નાખ્યા અને ભારત ઉપર ચીનની તુલનામાં ઘણા ઓછા છે તેવામાં હવે અલગ અલગ ક્ષેત્રોને ચીનનો માલ ભારતમાં ડમ્પ થવાનો ડર છે. પાછલા દસેક દિવસથી વિવિધ ચીજવસ્તુઓ ચીનથી મોટાંપાયે ઘૂસાડવામાં આવી હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે. 

પીડીઇએક્સસીઆઇએલના પૂર્વ પ્રમુખ ભરત છાજેડ જણાવે છે કે ‘બાંગ્લાદેશના રસ્તે ચીન ઘણા બધા ટેક્સટાઇલના સામાનનું ડમ્પિંગ કરે છે. બાંગ્લાદેશથી ભારતમાં માલ આવવાનું પ્રમાણ દર વર્ષે 20 ટકા જેવું વધતું જાય છે, આવા સંજોગોમાં ચીન ઉપર એન્ટી ડમ્પિંગ ડયૂટી વધારવી પડે તો પણ વધારી શકાય તેમ છે અન્યથા ભારતને જે આંતરરાષ્ટ્રીય સ્તરે લાભ થવાનો છે એની અસર ઓછી થઈ જશે.

અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધને કારણે ભારત ડમ્પિંગના ભયનો સામનો કરી રહ્યું છે. ઘણા ઉદ્યોગ સંગઠનોએ સરકાર પાસેથી સેફ ગાર્ડ ડયૂટી લાદવાની પણ માગ કરી છે.  

અમેરિકાએ ચીની ઉત્પાદનો પર 100% ડયૂટી લાદવાનો નિર્ણય લીધો, ત્યારે ચીને 125% ડયૂટી લાદીને પ્રતિક્રિયા આપી. એ પછી આજ સુધી ટેરિફ વધારવાનો સિલસિલો ચાલુ છે. તેની સીધી અસર ભારતના ઉદ્યોગો પર દેખાવા લાગી છે. ચીનની કંપનીઓએ ભારતમાંથી નિકાસ થતા ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરી

દીધું છે. આનાથી ભારત ડમ્પિંગના જોખમમાં મુકાયું છે.

ચીની કંપનીઓએ સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ માર્કેટને લક્ષ્ય બનાવીને ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. કંપનીઓ રેફ્રિજરેટર, ટીવી અને સ્માર્ટ ફોનના ઘટકો પર 4-7% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આનાથી ગ્રાહકોને ફાયદો થશે પરંતુ ભારતીય ઉત્પાદન ઉદ્યોગને નુકસાન થઈ શકે છે. ચીને કાપડ, રબર, તબીબી ઉપકરણો અને રમકડાંના ભાવમાં પણ તીવ્ર ઘટાડો કર્યો છે.

ચીન ભારત કરતા 13 રૂપિયા પ્રતિ કિલો સસ્તા ભાવે વિસ્કોસ સ્ટેપલ યાર્ન વેચી રહ્યું છે. રબરના મોજા પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, તબીબી ઉપકરણો પર ડિસ્કાઉન્ટને કારણે, તબીબી ઉપકરણોની આયાતમાં 80%નો વધારો થયો છે. સરકારે ચાઇનીઝ રમકડાં પર કડક પગલાં લીધાં હોવા છતાં, નોક ડાઉન કિટને કારણે ત્યાંથી પણ આયાતમાં વધારો થયો છે. તેથી, ઉદ્યોગ સરકાર પાસેથી સેફ ગાર્ડ ડયૂટી લાદવાની માગ કરી રહ્યો છે.

ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઘણા ક્ષેત્રોમાં ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના ચલાવી રહી છે. પરંતુ ચીનના ડમ્પિંગથી ભારતીય ઉત્પાદકોની ઊંઘ હરામ થઈ શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક