• શનિવાર, 19 એપ્રિલ, 2025

અમદાવાદમાં કચરાના ઢગલામાંથી મળ્યા બે મહિલાના મૃતદેહ

કચરો વીણી ગુજરાન ચલાવતી હતી બન્ને મહિલા : પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા શરૂ કરી તપાસ

અમદાવાદ, તા.16: અમદાવાદના ગ્રામ્ય  વિસ્તારમાં મેટોડા નજીક આવેલી રામભાઇની ખાણ નજીકથી કચરાના ઢગલામાંથી બે મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગત તા.15મીએ પોલીસને જાણ કરવામાં આવતા સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સાણંદ પોલીસને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે, વાસણા વિસ્તારમાં કચરાના ઢગલામાં બે અજાણી મહિલાની લાશ પડી છે. જે બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મહિલાની ઓળખ કરી લેવાઇ છે. બન્ને મહિલા મેટોડાની વતની સોનબેન સોલંકી અને જતનબેન સોલંકી હોવાનું સામે આવ્યું છે. બન્ને મહિલા કચરો વીણી ઘર ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

હત્યાનો આ ગુનો ઉકેલવા માટે પોલીસે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ સહિતની મદદથી અનેક દિશામાં તપાસ શરૂ કરીને  આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક