બગસરા, તા.14 : બગસરામાં ભાજપના કાર્યકર અને શિક્ષણ સમિતિ ચેરમેનના પતિ પર જમવાનું બનાવવા બાબતે માથાકૂટ થતાં ભાજપ કાર્યાલયની નીચે જ પાંચ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ગંભીર હાલતમાં અમરેલી ખસેડવામાં આવ્યા હતા.
મળેલી માહિતી મુજબ બગસરામાં તાલુકા
ભાજપ કાર્યાલય નીચે ખાણીપીણીનો વેપાર કરતા ભાજપના સક્રિય કાર્યકર અને શિક્ષણ સમિતિના
ચેરમેનના પતિ જયંતીભાઈ મકવાણા (ઉં.વ.50) પર ખાણીપીણીની વસ્તુ બાબતે માથાકૂટ કરી સુરાભાઈ
કાઠી, શિવભાઈ ભાયાભાઈ જાતવડા, ક્રિપાલભાઈ વાળા, શિવાંગભાઈ દેવમુરારી તથા એક અજાણ્યા
વ્યક્તિ દ્વારા જેન્તીભાઈ મકવાણા તથા તેમના પુત્ર સાહેદ સાથે ખાણીપીણીની વસ્તુ આપવા
બાબતે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ થાળી વડે જેન્તીભાઈને માથાના
ભાગે મારતા તેમને ગંભીર હાલતમાં બગસરા અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર
કરવામાં આવ્યા હતા.
આ બાબતે પોલીસ દ્વારા બીજા દિવસે
ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસ કરનાર બગસરા પી.આઈ. સાલુકેના જણાવ્યા મુજબ હાલ બધા
આરોપી ફરાર થઈ ગયા હોય ધરપકડ થઈ શકી નથી. તેમજ પોલીસ નજીકના સમયમાં આરોપીઓને ઝડપી લેશેનું
જણાવ્યું હતું. ભાજપના કાર્યકર પર ભાજપ કાર્યાલય નીચે જ આવો હુમલો કરવામાં આવ્યો હોય
તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગુનો કરેલા લોકોની ઝડપથી ધરપકડ
કરવાની માગ સાથે ઘણા લોકો પોલીસ સ્ટેશનને પણ દોડી ગયા હતા.