• શનિવાર, 19 એપ્રિલ, 2025

સુરતમાં હિરાના કારીગરે પરિવાર સાથે કર્યો આપઘાત

વધુ એક સામૂહિક આપઘાત: આર્થિક સંકડામણમાં પ્રજાપતિ પરિવારના ત્રણ સભ્યે નદીમાં ઝંપલાવ્યું

સુરત, તા. 18 : શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના બની છે. આર્થિક સંકડામણમાં કતારગામના પ્રજાપતિ સમાજના એક પરિવારના ત્રણ સભ્યે તાપી નદીમાં ઝંપલાવીને અંતિમ પગલું ભરી લીધું છે. શહેરના કતારગામમાં રહેતા પરિવારે ઘરેથી ફરવા જવાનું કહીને ગઈકાલે મોડી રાત્રે ગલતેશ્વર નજીક તાપી નદીમાં કૂદકો માર્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણેયના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા હતા. 

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરનાં કતારગામ ખાતે આવેલા જેપી નગરમાં રહેતાં 40 વર્ષીય વિપુલ રવજી પ્રજાપતિ અને તેમની 35 વર્ષીય પત્ની સરિતા પ્રજાપતિની સાથે પુત્ર વ્રજેશ બાઈક પર જમ્યા બાદ રાત્રે 10 કલાકે બારડોલી ખાતે આવેલા ગલતેશ્વર પહોંચ્યા હતા. પરિવારના મોઘી વિપુલ રવજી પ્રજાપતિના માથે દસેક લાખનું દેણું હોવાની ચર્ચા ચાલી છે. દેણું ભરપાઈ ન થતાં પરિવારે અંતિમ પગલું લીધાનું કહેવાય છે. ત્રણેક મૃતદેહો તાપીમાં હોવાની વાત ફાયર વિભાગને થતાં લાશ્કરો સાથે ટીમ પહોંચી હતી. વિપુલ પ્રજાપિતના ખિસ્સામાંથી આધાર કાર્ડની નકલ મળી આવતાં તેઓની ઓળખ થવા પામી હતી. એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાતની ઘટનાની જાણ થતાં જ કતારગામ સહિત સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હાલમાં પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવાર મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાનો હતો. સુરતમાં સ્થાયી થઈને વિપુલભાઈ શેરબજારનો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું છે. શેરબજારમાં ધોવાણ થતાં તેમજ પત્નીની તબિયત સારી રહેતી ન હોવાથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધાનું કહેવાય છે. ઘરેથી પરિવાર જ્યારે નીકળ્યો ત્યારે બગીચામાં ફરવા જઈએ તેવું કહ્યું હતું અને આવવામાં મોડું થશે તેવી પણ વાત કરી હતી. મૃતક વિપુલભાઈ શેરબજારમાં રોકાણ કરવાની સાથે હીરામાં પણ કામકાજ કરતાં હતા. હીરામાં મંદી અને શેરબજારમાં મોટી ખોટ જતાં પરિવાર આર્થિક સંકડામણમાં આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક