• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

જૂનાગઢમાં કિશોરને ધક્કો મારી પત્થર ઝીકી હત્યા કરાઇ’તી:એકની ધરપકડ   પતા રમવા અને પૈસાની લેતીદેતી બાબતે ખૂન કરાયું’તું

જૂનાગઢ, તા. 24: જૂનાગઢમાં 12 વર્ષનો કિશોર બે દિવસથી લાપતા બન્યા બાદ તેની હત્યા કરાયેલી હાલતમાં ઉપરકોટની ખીણમાંથી લાશ મળી આવી હતી, જે હત્યા કેસમાં આજે પોલીસે કુંભારવાડામાં રહેતા 15 વર્ષના એક કિશોરની ધરપકડ કરીને સમગ્ર મામલા ઉપરથી પડદો ઉચકી નાખ્યો છે. 

 ધારાગઢ દરવાજા પાસે રહેતા અને પાનની કેબીન ધરાવતા ઇકબાલભાઈ હારુનભાઈ કાદરીનો 12 વર્ષનો દીકરો માહિર ઉર્ફે હુશેન છેલ્લા બે દિવસથી લાપતા હતો, અને શોધખોળ દરમિયાન મંગળવારે સવારે માહિરની ઉપરકોટના પ્રવેશદ્વારથી ડાબી બાજુએ 100 મીટર દૂર ઊંડી ખીણમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈને એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલવા માટે બે ટીમો બનાવી હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં કુંભારવાડામાં રહેતો 15 વર્ષનો કિશોર સંડોવાયેલ હોવાનું સામે આવતા તેને અટકમાં લઈને પૂછતાછ કરી અને આજે માહીરના પિતા ઇકબાલ કાદરીની ફરિયાદ પરથી 15 વર્ષના કિશોર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

જેમાં તા.22ની સાંજે મરનાર માહિર અને આરોપી કિશોર વચ્ચે ગંજીપત્તો રમવામાં પૈસાની લેતી-દેતી મામલે બોલાચાલી થતા 15 વર્ષના કિશોરે માહિરને ઊંડી ખીણમાં ધક્કો મારી બાદમાં માથામાં પથ્થર મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે, કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલ એક સગીર આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, લતામાં રહેતા હસમુખભાઈ મકવાણાએ ઈકબાલભાઈને એવી વાત કરી કે, મેં તમારા દીકરાને તા.22ની સાંજે 6.30 કલાકે ઉપરકોટ પાસે બેઠેલો જોયો હતો, ત્યારે કુંભારવાડાનો 15 વર્ષનો કિશોર ઘોડો લઈને આવ્યો હતો, અને બન્ને વચ્ચે પતા રમવાની બાબતે બોલાચાલી થતા કિશોરે માહિરને ઊંડી ખીણમાં ધક્કો મારી દીધા બાદ તેના ઉપર બાજુમાં પડેલો પથ્થર મારી દીધો હતો, આ ઘટના જોઈએ હસમુખભાઈ બીકના માર્યા ઘરે આવી ગયા હતા. 

 

 

Budget 2024 LIVE