તળાજા: તળાજા તાલુકાના મણાર ગામે સાસરિયું ધરાવતી મહિલા તબીબે ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. મહિલાના પિતાએ મૃત્યુને લઈ શંકા વ્યક્ત કરતા ના. મામલતદારની હાજરીમાં પોલીસને ઇન્કવેસ્ટ ભરવાની ફરજ પડી હતી. એક્સપર્ટ દ્વારા પીએમ થાય તે માટે પોલીસે તજવીજ હાથ ધરીછે. પાલિતાણાના જમણવાવ ગામે પિયર ધરાવતા ડો. મીનાબેન વિજયભાઈ મારું (ઉં. વ. 32)ના લગ્ન મણાર ગામના મનુભાઈ શામજીભાઈના દીકરા વિજયભાઈ સાથે સાતેક વર્ષ પહેલાં થયા હતા. તેને ચાર વર્ષનો એક પુત્ર છે. કોરોના કાળ દરમિયાન કચ્છની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવ્યા બાદ તેમને ટીંબી ખાતે મેડિકલ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા.પુત્રની કેળવણી માટે સરકારી ડોકટર તરીકેની ફરજમાંથી રાજીનામુ આપ્યું હતું. મૃતક મીનાબેનના પિતાએ શંકા વ્યક્ત કરતા પોલીસે ના.મામલતદારની રૂબરૂ ઇન્કવેસ્ટ ભરી બોડી ઉપર ગળાફાંસો ખાધા સિવાયના અન્ય કોઈ નિશાન છે કે કેમ તે સહિતની ન્યાયિક કાર્યવાહી માટે જરૂરી નોંધ કરી હતી.પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ જાણવા મળશે.
મૃતક
મીનાબેનના પિતા પ્રવિણભાઈ દેવજીભાઈએ જણાવ્યું
હતું કે સાસરિયામાં અન્ય સગાઓને લઈ કંકાસ રહેતો હતો. મારી દીકરી અણસમજુ નહોતી, એ ડોક્ટર
હતી. મેડિકલ ઓફિસર તરીકે અનુભવ હતો. તે ગળાફાંસો ખાઈ આત્મહત્યા ન કરે.