• શનિવાર, 11 એપ્રિલ, 2026

ઈરાન-અમેરિકાનાં યુદ્ધવિરામની આજે પાક.માં કસોટી

ઈસ્લામાબાદ ઉપર દુનિયાની મીટ મંડાઈ : આજે શાંતિ વાટાઘાટ : લેબનોનમાં ઈઝરાયલે નકારેલા યુદ્ધવિરામથી ઈરાનની બેઠકમાં જોડાવા આનાકાની : ઈસ્લામાબાદમાં બેઠક માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત

ઈસ્લામાબાદ ઉપર દુનિયાની મીટ મંડાઈ : આજે શાંતિ વાટાઘાટ : લેબનોનમાં ઈઝરાયલે નકારેલા યુદ્ધવિરામથી ઈરાનની બેઠકમાં જોડાવા આનાકાની : ઈસ્લામાબાદમાં બેઠક માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત

ઈસ્લામાબાદ, તા.10: ઈરાન અને અમેરિકા વચ્ચે બે સપ્તાહનાં યુદ્ધવિરામની ગંભીરતા સામે ગંભીર સવાલો ઉભા કરતાં સામસામા હુમલાઓ વચ્ચે આવતીકાલે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બન્ને પક્ષ વચ્ચે આ યુદ્ધવિરામની પહેલી કસોટી સમાન શાંતિ મંત્રણા યોજાવાની છે. આનાં માટે ઈસ્લામાબાદને લોખંડી સુરક્ષા બંદોબસ્તથી લોકડાઉન કરી નાખવામાં આવ્યું છે. તેમાં પણ જ્યાં આ વાટાઘાટો યોજાનાર છે તે સેરેના હોટલની ફરતે ત્રણ કિ.મી.નાં વિસ્તારની નાકાબંધી કરી લેવામાં આવી છે અને ચકલું પણ ફરકે નહીં તેવી સજ્જડ સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે. બીજીબાજુ લેબનોનમાં યુદ્ધવિરામ મુદ્દે વાટાઘાટ છેલ્લી ઘડીને  ઘોંચમાં પડવાની આશંકા છે. ઈઝરાયલે લેબનોનને યુદ્ધવિરામમાંથી બાકાત ગણાવ્યું છે તો આ મુદ્દે જ ઈરાન તરફથી શાંતિમંત્રણામાં જોડાવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. જેને પગલે તેને મનાવવા માટેનાં છેલ્લી ઘડીનાં પ્રયાસો ચાલી રહ્યાં છે.

પાકિસ્તાનમાં યોજાનારી આ બેઠક ઉપર આખી દુનિયાની મીટ મંડાયેલી છે અને તેનાં નિષ્કર્ષને લઈને અત્યારથી બેચેની અને તનાવ જોવા મળી રહ્યો છે. ઈસ્લામાબાદને રેડઝોનમાં ફેરવી નાખવામાં આવ્યું છે અને બે દિવસની જાહેર રજા ઘોષિત કરી દેવામાં આવી છે. બુધવારે સાંજે જ સેરેના હોટેલને આ વાટાઘાટ માટે ખાલી કરાવી લેવામાં આવી હતી. જો કે આવતીકાલ સવારથી શરૂ થનારી આ શાંતિ મંત્રણા પ્રત્યક્ષ રહેવાની નથી. એટલે કે, બન્ને પક્ષનાં પ્રતિનિધિઓ અલગ-અલગ રૂમમાં બેસીને પાકિસ્તાની અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને પાકિસ્તાન બન્ને પક્ષ વચ્ચે સંદેશાવાહકની ભૂમિકા ભજવશે.

અમેરિકાનાં પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ કરવાનાં છે. આ સીવાય તેમની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં શીર્ષ દૂત સ્વીવ વિટકોફ અને ટ્રમ્પનાં જમાઈ જેરેડ કુશનર સામેલ થશે. આ ઉપરાંત અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડનાં એડમિરલ બ્રેડ કૂપર પણ પાકિસ્તાનમાં આ વાર્તાલાપમાં જોડાય તેવી શક્યતા છે.

ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદનાં સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરશે. જો કે તેઓ આ વાટાઘાટમાં જોડાશે કે નહીં તે હજી અનિશ્ચિત છે. ઈઝરાયલે લેબનોનમાં યુદ્ધવિરામ નકારી દીધો હોવાનાં કારણે ઈરાની પક્ષ આ વાટાઘાટમાં જોડાવા ઈન્કાર કરી રહ્યો છે. ઈરાનને મનાવવાનાં છેલ્લી ઘડીનાં પ્રયાસો ચાલી રહ્યાં છે. ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું છે કે, નહીં તે પણ હજી સુધી અસ્પષ્ટ છે.

પાક.નાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફ આ વાટાઘાટનાં યજમાન રહેશે અને ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઈશાક ડાર પણ વાતચીતમાં જોડાશે. સેના પ્રમુખ આસીમ મુનીરની ભૂમિકા હજી આમાં સ્પષ્ટ નથી. જો કે તેમની ઈચ્છા વગર પાક.માં પાંદડું પણ ખસે નહીં તે સૌ જાણે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક