• શનિવાર, 11 એપ્રિલ, 2026

ગુજરાતમાં નકલી પનીરના વેપલા પર તંત્રની લાલ આંખ, ફૂડ સેફ્ટી એક્ટમાં થશે મોટા ફેરફાર

ફૂડ સેફટીની ડ્રાઈવ હવે માત્ર તહેવારો પૂરતી મર્યાદિત નહીં રહે, રોજબરોજ હાથ ધરાશે : મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 10: ગુજરાતમાં હોટેલો અને રેસ્ટોરન્ટમાં પીરસાતા પનીર અને એનાલોગ (વેજીટેબલ ફેટમાંથી બનતું પનીર જેવું તત્ત્વ) બાબતે ગ્રાહકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા રાજ્ય સરકારે કમર કસી છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે અને ‘ફૂડ સેફ્ટી એક્ટ’ના નિયમોમાં ફેરફાર લાવશે. હવે આ ડ્રાઈવ માત્ર તહેવારો પૂરતી મર્યાદિત નહીં રહે, પણ રોજબરોજ હાથ ધરવામાં આવશે. 

વધુમાં જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યવ્યાપી મેગા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત તંત્ર દ્વારા રાજ્યભરમાં કુલ 2,527 હોટેલ અને રેસ્ટોરન્ટ્સ પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી બદલ 18 પેઢીઓને સીલ મારી દેવામાં આવ્યા છે, જ્યારે 270 એકમને કાયદેસરની નોટિસ ફટકારાઈ છે. આ ઝુંબેશમાં અંદાજે રૂ. 2,84,300નો દંડ વસૂલવામાં આવ્યો છે અને શંકાસ્પદ જણાયેલા 703 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને સુરત એસઓજી પોલીસની કામગીરીને મંત્રીએ બિરદાવી હતી. હાલમાં રાજ્યભરમાં 32 ફૂડ સેફ્ટી વાન કાર્યરત છે જે સતત ચાકિંગ કરી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક