હત્યાના ગુનો દાખલ કરવા અને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની પરિવારની માગ
અમરેલી,
તા. 21: અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ચાલતાં અન્નક્ષેત્રના સંચાલક સહિતના લોકોએ એક યુવકને
માર માર્યો હતો. આ અંગે યુવકે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ બનાવમાં
ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃતકના પરિવાર દ્વારા આરોપીઓ સામે હત્યાનો
ગુનો દાખલ કરવા તથા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માગ કરી છે.
ધારી
તાલુકાના ગોપાલગ્રામ ગામે રહેતા મહેશભાઇ પ્રેમજીભાઇ દુદાભાઇ રાઠોડ નામનાં 24 વર્ષીય
યુવક ગત તા.17 ના રોજ બપોરના સમયે અમરેલી સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા અન્નક્ષેત્રમાં
જમવા માટે ગયા હતા. અને તેમને જમતા જમતાં ઉલટી જેવું થવા લાગતા તેઓએ થાળીમાં રહેલા
થોડા દાળ ભાત ખાધા ન હતા. અને પોતે થાળી મુકવા જતા હતાં. ત્યારે આ અન્નક્ષેત્રના સંચાલક
ભરતભાઇ આચાર્યએ યુવકને કહ્યું કે, તું થાળીમાં બાકી રહેલું છે. તે જમી લે અથવા તો દંડ
ભર. જેથી યુવકે તેમને પચાસ રૂપિયાના દંડ માટે થઈને પાંચ સો રૂપિયા આપ્યા હતા. બાદમાં
યુવક થાળી મુકીને આવ્યા બાદ બાકીના પૈસા પરત માગવા જતા ભરતભાઇ આચાર્યએ યુવકને તેમની
જ્ઞાતિ પૂછી હતી. બાદમાં ભરતભાઇ આચાર્યએ કાળુભાઇ, હીરાભાઇ ખુમાણ તથા ચતુરભાઇ દાફડાને
બોલાવી યુવકને પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હતો. આ બનાવમાં ઘવાયેલા યુવક મહેશભાઇનું
ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજતા મૃતકના પરિવાર દ્વારા આ બનાવમાં આરોપીઓ સામે હત્યાનો ગુનો
દાખલ કરવા તથા મૃતકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માગ કરી છે.