મતદારોને રીઝવવા નીકળેલી ટોળકીને પોલીસે રંગે હાથ ઝડપી પાડયા
તાલાલા, તા.26 : ચિત્રાવડ ગીર બેઠક પર મતદાનના આડે
ગણતરીનાં કલાકો બાકી હતા ત્યારે જ પોલીસની સતર્કતાને કારણે એક મોટી ગેરરીતિ પકડાઈ છે.
ચૂંટણી પેટ્રાલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક લક્ઝરી ગાડીને આંતરીને તપાસ
કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બીયરના ટીન અને મોટી માત્રામાં રોકડ રકમ
મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ તમામ સામગ્રીનો ઉપયોગ મતદારોને
લલચાવવા અને રિઝવવા માટે કરવામાં આવનાર હતો. પોલીસે આ મામલે મુદ્દામાલ જપ્ત કરી આચારસંહિતા
ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાલાલા
પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે રમળેચી ગીર-ચિત્રાવડ ગીર રોડ પર વોચ ગોઠવી હતી. આ
દરમિયાન જેપુર ગીરના રહેવાસી અને આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારના પ્રતિનિધિ દિનેશ
નારણ બાકુની મહિન્દ્રા થાર ગાડીની તલાશી લેવામાં આવી હતી. ગાડીમાંથી 8 નંગ બીયરના ટીન,
4 બોટલ વિદેશી દારૂ અને રૂ. 48,500ની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે દારૂ, રોકડ, મોબાઇલ
અને ફોર વ્હીલ ગાડી મળી કુલ રૂ. 8.55 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત
કરી લીધી છે.
આ સમગ્ર
મામલે તાલાલાના પી. આઇ. વિપુલભાઈ ગાગિયાએ કડક વલણ અપનાવીને આરોપી સામે પ્રોહિબિશન ધારા
તેમજ ચૂંટણી આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કર્યો છે. મતદાનના આગલા દિવસે જ ઉમેદવારના
પ્રતિનિધિ આવી પ્રવૃત્તિમાં પકડાતા સમગ્ર પંથકમાં અને રાજકીય આલમમાં ભારે ચકચાર મચી
ગઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નાણાં અને દારૂ ક્યાંથી લાવવામાં
આવ્યા હતા અને અન્ય કોણ કોણ આ પ્રક્રિયામાં સંડોવાયેલું છે.