44 ડિગ્રી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 57.59 ટકા મતદાન: મનપાઓમાં 49, પાલિકાઓમાં 60, જિલ્લામાં 62, તાલુકા પંચાયતોમાં 63 ટકા મતદાન
સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓમાં છૂટાછવાયા બનાવો, શાંતિપૂર્ણ મતદાન સંપન્ન, 28મીએ મત-ગણતરી
2021ની
તુલનાએ આ વખતે મતદાનની ટકાવારીમાં વધારે
હૃષિકેશ
વ્યાસ
અમદાવાદ,તા.26
: રાજ્યની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 7253 વોર્ડની 9263 બેઠકો માટેના કુલ
25,637 ઉમેદવારો વચ્ચે 26મીના રવિવારે ચૂંટણી જંગ ખેલાયો હતો. સવારના 7 વાગ્યાથી શરુ
થયેલું મતદાન સાંજના 6 વાગ્યે પૂરું થયું ત્યાં સુધીના 11 કલાક દરમ્યાનની અસહ્ય ગરમી,
પોલીસ જવાનોની ખડેપગે સેવા તથા ચૂંટણી સ્ટાફની અનથક કામગીરીને અંતે કેટલાક છૂટાછવાયા
બનાવો પરંતુ ઈવીએમ ખોટકાયા સહિતની કેટલીક ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં
મતદાન સમાપ્ત થયું હતું. જો કે, અસહ્ય ગરમીમાં હૃદયરોગના લીધે 3 લોકોના મૃત્યુ નિપજ્યાના
અહેવાલ પણ સામે આવ્યાં હતાં.
રાજ્ય
ચૂંટણી પંચ સહિત તમામ રાજકીય પક્ષોએ મતદારોનો આભાર માન્યો હતો. મતદાન સમાપ્ત થયા બાદ
રાજ્યમાં સરેરાશ 57.59 ટકા મતદાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ મળ્યો છે. જોકે, આ આંકડા
અપડેટ થશે.
મતદાન
સમાપ્ત થયા બાદ મતદાન અધિકારીઓએ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ
સીલ કરીને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે તેમના ફાળવાયેલા સ્ટ્રોંગ રુમમાં પહોંચાડીને
તેને પણ સીલ કરી દીધા હતા. અહીં પણ પોલીસનો કડક પહેરો તથા સીસીટીવી કેમેરાનો બંદોબસ્ત
કરાયો છે. હવે, 28મીના મંગળવારે મત-ગણતરી હાથ ધરાશે. ઈલેક્ટ્રોનીક વોટીગ મશીનથી મતદાન
થયું હોવાથી તેની ગણતરીમાં પણ ઝડપ આવશે અને બપોર કે સાંજ સુધીમાં આ પ્રક્રિયા પણ પૂરી
થઈ જશે, એમ મનાય છે.
આ ચૂંટણીમાં
15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1101 બેઠકો માટેના 3145 ઉમેદવારો, 84 નગરપાલિકાઓના
656 વોર્ડની 2239 બેઠકો માટેના 5441 ઉમેદવારો, 34 જિલ્લા પંચાયતના 1038 બેઠકો માટે
3059 ઉમેદવારો, 260 તાલુકા પંચાયતોના 4976 બેઠકો માટે 13,871 ઉમેદવારો, 12 નગરપાલિકાની
પેટા ચૂંટણીની 9 બેઠકો માટે 21 ઉમેદવારો મળીને આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના
કુલ 7253 વોર્ડની 9263 બેઠકો માટે ચૂંટણી જંગમાં રહેલા કુલ 25,637 ઉમેદવારોના રાજકીય
ભાવિ મતદાન સંપન્ન થતાની સાથે જ ઈલેકટ્રોનીક વોટીંગ મશીનમાં કેદ થઈ ગયા હતા.
ગત
2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ લગભગ 59 ટકાની આસપાસ
મતદાન થયું હતું. આ વખતે 2026માં યોજાયેલી ચૂંટણીઓમાં મહાનગરપાલિકાઓમાં 49 ટકા, નગરપાલિકાઓમાં
59 ટકા, જિલ્લા પંચાયતોમાં 61 ટકા અને તાલુકા પંચાયતોમાં 62 ટકાની આસપાસ મતદાન થયું
હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અર્થાત્ શહેરી વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ ઓછો
હતો.
જ્યારે
નગરપાલિકા જેવા અર્ધ શહેરી અને જિલ્લા-તાલુકા પંચાયતો જેવા ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોએ
લાઈનો જરુર લગાવી હતી. મતદાનની શરુઆત થઈ ત્યારે મતદારોમાં ઉત્સાહ હતો પરંતુ સમય જતાં
ગરમી તેની ચરમસીમા પહોંચતાં મતદાન મથકો સૂમસામ બન્યાં હતા અને છૂટાછવાયા મતદારો જ દેખાતા
હતા પરંતુ સાંજની છેલ્લી 2 કલાક બાકી હતી ત્યારે ફરીથે મતદારો ઉમટ્યાં હતા અને મતદાનની
ટકાવારીમાં વધારો થયો હતો.
આ વખતે
6 જૂની મહાનગરપાલિકાઓમાં સરેરાશ 48 ટકા મતદાન નોંધાયું છે. જે 2021ની ચૂંટણીમાં 46
ટકા જેટલું હતું પરંતુ નોંધનીય બાબત એ છે કે, જે નવી 9 મહાનગરપાલિકાઓમાં પ્રથમવાર ચૂંટણી
યોજાઈ છે. તેમાં મતદારોએ મોટી સંખ્યામાં બહાર નીકળીને વોટીંગ કર્યું હતું. પ્રાથમિક
અંદાજ મુજબ આ નવી મહાનગરપાલિકાઓમાં આશરે 53 ટકા વોટીંગ થયું હોવાનો અનુમાન છે. 6 જૂની
મહાનગપાલિકાઓમાં સૌથી વધુ 53 ટકા મતદાન સુરતમાં અને સૌથી ઓછું 46 ટકા મતદાન અમદાવાદ
મહાનગરપાલિકામાં નોંધાયું છે. જ્યારે 9 નવી મહાનગરપાલિકાઓમાં સૌથી વધુ વાપીમાં 66 ટકા
અન સૌથી ઓછું 42 ટકા મતદાન ગાંધીધામ મહાનગરપાલિકામાં નોંધાયું છે.
મહાનગરપાલિકાઓની
ચૂંટણીમાં જે સરેરાશ 49 ટકા વોટીંગ થયું છે. એમાં 52.45 ટકા મતદાન પુરુષો અને 45.07
ટકા મતદાન સ્ત્રીઓએ કર્યું છે. આ ચૂંટણીમાં મહિલાઓની મતદાનની ટકાવારી ઉંચી જશે એમ મનાતા
રાજકીય પક્ષો હવે અસમંજસમાં મૂકાયા છે.