• રવિવાર, 26 એપ્રિલ, 2026

રાજુલાના કોટડી ગામના રત્નકલાકારનું તળાજા પાસે રહસ્યમય મૃત્યુ

રાજુલા, તા.25 : સુરતથી વતન આવવા નીકળેલા રાજુલા તાલુકાના કોટડી ગામના 35 વર્ષીય રત્નકલાકાર રમેશભાઈ ડાયાભાઇ બાંભણિયાની લાશ ગત રાત્રે તળાજાના જાગધાર નજીક હાઇ વે પરથી લોહિયાળ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાન ગઈકાલે સાંજે સુરતથી પરિવાર પાસેથી ઉછીના રૂપિયા લઈ નીકળ્યો હતો, જે બાદ મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાના સુમારે દાઠા પોલીસને હાઇ વે પર લાશ પડી હોવાની જાણ થઈ હતી. પોલીસ તપાસમાં યુવાનના માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી, જેના આધારે પ્રાથમિક દૃષ્ટિએ આ અકસ્માત હોવાનું મનાઈ રહ્યું છે.

જોકે, આ ઘટનામાં અનેક સવાલો ઉભા થયા છે કે સાંજે સુરતથી નીકળેલો યુવાન વહેલી સવારે આટલા ટૂંકા સમયમાં અહીં કઈ રીતે પહોંચ્યો ? રમેશભાઈને રાજુલા જવાનું હોવા છતાં તેઓ તળાજા પાસે કેમ ઉતર્યા અને કયા વાહને તેમને ટક્કર મારી તે હજુ અકબંધ છે. હાલ પોલીસે તળાજા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા પણ આ રહસ્યમય સંજોગો અંગે તપાસની માંગ કરવામાં આવી રહી છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક