એન્જિનમાં આગ લાગતાં મુસાફરોને ઈમરજન્સીમાં બહાર કઢાયા : છ ઘાયલ
નવીદિલ્હી,તા.26:
દિલ્હી એરપોર્ટ ઉપર એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા સ્હેજમાં અટકી હતી. અહીં સ્વિસ
એરનાં એક વિમાનનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું અને તેનાં હિસાબે વિમાનમાં આગ પણ લાગી
હતી. આ દુર્ઘટનામાં 6 મુસાફર ઘવાયા પણ હતાં.
આજે
સવારે સ્વિસ એરનું દિલ્હીથી જ્યુરિક જતાં વિમાન એલએક્સ-147નું એન્જિન ફેઈલ થઈ ગયું
હતું. વિમાન શનિવારે રાતે 1.08 કલાકે ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે જ તેનું પહેલું
એન્જિન અચાનક કામ કરતું બંધ થઈ ગયું હતું. તેમાં આગ પણ લાગી ગઈ હતી. આ વિમાનમાં
228 યાત્રીઓ અને 4 શિશુ સવાર હતાં. ત્યારબાદ વિમાનમાં સવાર તમામ યાત્રીઓને રનવે ઉપર
ઈમરજન્સી સ્લાઈડનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતાં. આ ઘટના પછી સાવચેતીનાં ભાગરૂપે
વિમાનની ઉડાન રદ કરી નાખવામાં આવી હતી. વિમાનનાં એન્જિનમાં ખરાબી આવવાનું કોઈ સ્પષ્ટ
કારણ હજી સુધી બહાર આવ્યું નથી.
સદ્દનસીબે
વિમાન ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે આ ઘટના બની ગઈ હતી. જો વિમાન ઉડયા બાદ આવો
કોઈ ગંભીર ખોટકો સર્જાયો હોત તો ફરી એકવાર અમદાવાદ જેવી ભયાનક વિમાન દુર્ઘટના પણ બની
શકી હોત.