• સોમવાર, 27 એપ્રિલ, 2026

વધુ એકવાર ટ્રમ્પ ઉપર હુમલાનો પ્રયાસ

વોશિંગ્ટનમાં ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર : સીક્રેટ સર્વિસે રાષ્ટ્રપતિ

ટ્રમ્પ, મેલોનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ વેન્સને સુરક્ષિત બહાર કાઢયા

કોરેસ્પોડેન્ટ્સ ડિનર દરમિયાન બન્યો સુરક્ષામાં ચૂકનો ગંભીર બનાવ : હુમલાખોર દબોચાયો : એક સુરક્ષા જવાન ઈજાગ્રસ્ત : હુમલાખોર પાસેથી શોટગન, હેન્ડગન અને ઘણા બધા ચાકુ મળ્યા

 

વોશિંગ્ટન, તા. 26 : અમેરિકામાં ફરી એક વખત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષમાં ચૂકનો એક મોટો અને ગંભીર બનાવ બન્યો હતો. જેમાં વોશિંગ્ટન ડીસીમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં ટ્રમ્પ, તેમનાં પત્ની મેલોનિયા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિતના લોકો હાજર હતા ત્યારે અચાનક જ એક શખસે આવીને અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ ઘટના બનતા જ અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા સંભાળી રહેલા સિક્રેટ સર્વિસ એજન્ટ્સે મોરચો સંભાળી લીધો હતો અને ટ્રમ્પને સુરક્ષિત બહાર લાવ્યા હતા. આ દરમિયાન અન્ય સુરક્ષા જવાનોએ હુમલાખોરને દબોચી લીધો હતો. હુમલો કરનારો શખસ 31 વર્ષીય એલન હોવાનું અને કેલિફોર્નિયાનો રહેવાસી હોવાની માહિતી સામે આવી હતી. હુમલાની ઘટના બાદ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓને લાગે છે કે પોતે જ ટાર્ગેટ હતા.

વોશિંગ્ટન ડીસીની હિલ્ટન હોટલમાં વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડેન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબાર થયો હતો. આ દરમિયાન અમેરિકી સિક્રેટ સર્વિસે તાકીદે ટ્રમ્પ સહિતના લોકોને મંચ ઉપરથી ઉતારી લીધા હતા અને સુરક્ષિત બહાર લાવ્યા હતા. કહેવાય છે કે ગોળીબારનો અવાજ મુખ્ય ડાઇનિંગ હોલની નજીક નહોતો પણ તેનો અવાજ વધારે તીવ્ર હતો. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ પત્રકારો સાથે દર વર્ષે ડિનરનું આયોજન કરે છે અને આ દરમિયાન સંવાદ પણ થાય છે. જો કે ગોળીબારની ઘટનાથી પહેલી વખત કાર્યક્રમમાં અફરાતફરી મચી હતી.

હુમલાના દોઢ કલાક બાદ ટ્રમ્પે મીડિયાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે અમેરિકાનાં સંવિધાન ઉપર હુમલો થયો છે. સિક્રેટ સર્વિસે તેમનો જીવ બચાવ્યો છે. સુરક્ષા કર્મચારીઓએ ખૂબ જ બહાદૂરીથી કામ કર્યું હતું. જે અધિકારીને ગોળી વાગી છે તે પણ સુરક્ષિત છે. બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હોવાથી જીવ બચી ગયો હતો. હુમલાખોર પાસે ખૂબ જ પાવરફુલ ગન હતી. વધુમાં હુમલાખોરને પણ પકડી લેવાયો હોવાનું ટ્રમ્પે કહ્યું હતું.

રિપોર્ટ અનુસાર હુમલાખોરની ઓળખ 31 વર્ષીય કોલ ટોમસ એલનનાં રૂપમાં થઈ છે અને તે અમેરિકાના કેલિફોર્નિયાનો રહેવાસી છે. તેણે  કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાંથી 2017માં મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હતો અને ગયાં વર્ષે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી કોમ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

પોલીસ વિભાગના અધિકારી જેફરી કેરોલ અનુસાર હુમલાખોર એ જ હોટલનો મહેમાન બન્યો હતો જ્યાં વ્હાઇટ હાઉસ તરફથી કાર્યક્રમમાં આયોજન થયું હતું. તે જે રૂમમાં હતો તેની પોલીસ તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર હુમલાખોર એલન પાસેથી એક શોટગન, એક હેન્ડગન અને ઘણા ચાકુ હતા. વોશિંગ્ટન ડીસીના મેયર અનુસાર શખસનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

અમેરિકી એટોર્નીએ કહ્યું હતું કે, હુમલાખોર ઉપર બે આરોપ લાગ્યા છે. પહેલો આરોપ હિંસક અપરાધ દરમિયાન હથિયારનો ઉપયોગ કરવો અને બીજો અપરાધ ખતરનાક હથિયારથી ફેડરલ અધિકારીઓ ઉપર હુમલો કરવાનો છે.

હુમલા બાદ એવા અહેવાલ ફરતા થયા હતા કે એલને ઓક્ટોબર 2024માં કમલા હેરિસને રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાન દરમિયાન 25 ડોલરનું દાન કર્યું હતું. ઘટના સમયે કાર્યક્રમમાં હાજર પ્રેસના પ્રતિનિધિઓએ બનાવનું વર્ણન કરતા કહ્યું હતું કે, તેઓ હિલ્ટન બોલરૂમમાં હતા ત્યારે ગોળીબારનો અવાજ આવતા જ સુરક્ષા અધિકારીઓએ રૂમને ઘેરી લીધો હતો અને મુખ્ય કોરિડોરથી દોડીને અંદર આવ્યા હતા. ઘણા લોકો જમીન ઉપર સુઈ ગયા હતા જ્યારે રાષ્ટ્રપતિને મંચથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા. ઘણા લોકો ટેબલની નીચે સંતાયા હતા.

----------------------

હુમલાખોરનાં નિશાને કોણ કોણ હતું ?

નવીદિલ્હી,તા.26: અમેરિકામાં પત્રકારોનાં ભોજન સમારોહ દરમિયાન થયેલા ગોળીબારમાં હવે નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓનાં કહેવા અનુસાર હુમલાખોરનાં નિશાને માત્ર સામાન્ય લોકો નહીં બલ્કે સીધા સરકારી અધિકારીઓ હતા અને તેમાં રાષ્ટ્રપતિ પણ હોઈ શક્યા હોત.

અમેરિકાનાં કાર્યવાહક એટર્ની જનરલ ટોડ બ્લેંચે કહ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હુમલાખોર ટ્રમ્પ પ્રશાસનનાં અધિકારીઓને નિશાન બનાવવા આવ્યો હતો અને તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે પણ સામેલ હોઈ શક્યા હોત. હુમલાખોરે લાંબી મુસાફરી કરીને કેલિફોર્નિયાથી ટ્રેન મારફત શિકાગો અને ત્યાંથી વોશિંગ્ટન ડીસી પહોંચ્યો હતો. તે હાઈપ્રોફાઈલ કાર્યક્રમ યોજાવાનો હતો એ હોટેલમાં જ ઉતર્યો. જો કે તપાસ અધિકારીઓ આ હુમલાખોરને ઈરાન સાથે કોઈ કનેક્શન છે કે નહીં તેની પણ ઉંડી તપાસ કરી રહ્યાં છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક