નવી દિલ્હી, તા. 25 : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપર ભાજપે મોટો આરોપ મૂક્યો છે. દિલ્હી સરકારમાં મંત્રી પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલની તુલના ધુરંધર ફિલ્મના રહમાન ડકૈત સાથે કરી છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીના લોધી એસ્ટેટમાં કેજરીવાલને જે બંગલો ફાળવવામાં આવ્યો તેની તસવીરો જોઈને લગભગ બધા હેરાન છે. પરવેશ વર્માએ કહ્યું હતું કે લોધી એસ્ટેટના બંગલામાં કેજરીવાલે ખૂબ ખર્ચ કર્યો છે. આ સરકારી ઘર છે પણ તેમાં સરકારી પૈસા લાગ્યા નથી. પહેલા છ ફલેગ સ્ટાફ રોડના ખર્ચ અંગે સવાલ થયો હતો તો કેજરીવાલે કહ્યું હતું કે, પીડબલ્યૂડીના ચીફ એન્જિનિયરે ખર્ચ કર્યો છે અને તેની જાણકારી પણ નથી. જો કે હવે નવા ઘરને લઈને કોઈ દાવો કરી શકશે નહીં. વર્માએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનું નામ હકીકતમાં આલિશાન આદમી પાર્ટી હોવું જોઈએ. શું કેજરીવાલ બતાવશે કે નવા શીશમહેલમાં કેટલો ખર્ચ કર્યો ? પૈસા ક્યાંથી આવ્યા અને કોના છે ? શું કેજરીવાલની લાલચના કારણે ઈમાનદાર નેતાઓ પક્ષ છોડી રહ્યા છે તે સાચું નથી. વારંવાર શીશમહેલ બનાવવાની શું જરૂરિયાત છે. કેજરીવાલે દરેક રૂમ ઉપર એટલું મગજ વાપર્યું છે કે એટલો સમય દિલ્હીના લોકો માટે લગાડયું હોત તો કદાચ તેમના કાર્યકરો પક્ષ છોડી રહ્યા ન હોત.