• રવિવાર, 26 એપ્રિલ, 2026

આજે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે મુકાબલો

RCB સામેની હાર ભૂલીને ગુજરાત મેદાનમાં ઉતરશે : CSK તરફથી સેમસન ઉપર રહેશે નજર

નવી દિલ્હી, તા. 25 : આવતીકાલે રવિવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઈપીએલના રોમાંચક મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચનું પરિણામ ઈન ફોર્મ ખેલાડીઓ અને ટીમના સંતુલનથી નક્કી થશે. ગત મેચમાં આરસીબી સામે હાર બાદ ગુજરાત ચેન્નઈ સામે જીત મેળવવાની ઈચ્છાએ મેદાનમાં ઉતરશે. વધુમાં સાઈ સુદર્શન ફોર્મમાં પરત આવ્યો હોવાથી ગુજરાતને થોડી રાહત મળી છે. તો બીજી તરફ ચેન્નઈમાં સંજુ સેમસન સતત ધુંઆધાર બેટિંગ કરી રહ્યો છે. જેના દમ ઉપર ધીરે ધીરે સીએસકે લય મેળવી રહી છે.

ચેન્નઈ સુપર કિંગ્સ ગુજરાત સામેના મુકાબલામાં સીઝનની ખરાબ શરૂઆત બાદ જોરદાર વાપસી કરવા ઉતરી રહી છે. આ બદલાવના કેન્દ્રમાં સંજુ સેમસન છે. જે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરશે અને બે સદી ફટકારી ચુક્યો છે. સેમસનના આક્રમક અંદાજે સીએસકેના ટોપ ઓર્ડરને ગતિ આપી છે. મધ્ય ક્રમમાં સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ અને શિવમ દુબે સામેલછે, જે સ્થિરતા આપે છે.

બીજી તરફ ગુજરાતની ટીમ પોતાના જોરદાર ટોપ ઓર્ડર ઉપર વધુ પડતી નિર્ભર છે. જેમાં સાઈ સુદર્શન,  કેપ્ટન શુભમન ગિલ અને જોસ બટલર સામેલ છે. સુદર્શને તો ગયા મેચમાં સદી પણ ફટકારી છે. જ્યારે ગિલ ટીમ માટે સૌથી વધારે રન કરનારો ખેલાડી છે. અત્યાર સુધીમાં આઈપીએલમાં સીએસકે અને ગુજરાતની પોઈન્ટ ટેબલમાં સ્થિતિ સરખી રહી છે. સીએસકે સાત મેચમાં ત્રણ જીત અને ચાર હાર સાથે છ અંક ધરાવે છે. આવી જ રીતે ગુજરાત પણ સાત મેચમાં ત્રણ જીત અને ચાર હાર સાથે છ પોઈન્ટ ધરાવે છે. તેવામાં બન્ને ટીમ વચ્ચે મુકાબલો રોમાંચક રહેવાની પુરી સંભાવના છે.

ઇ-પેપરના નવા શુલ્ક