4 શહેરમાં પારો 44 ડિગ્રીને પાર
હજુ
બે દિવસ ભારે : હીટવેવની આગાહી વચ્ચે 45 ડિગ્રી ટપશે તાપમાન
અમદાવાદ
44.8 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, અમરેલી 44.5 અને રાજકોટ 44.4 ડિગ્રી તાપમાન
રાજકોટ,
અમદાવાદ તા.26: ગુજરાતમાં ઉનાળાએ તેનું અસલી
રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આભમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓને કારણે રાજ્યનું જનજીવન
રીતસર ‘ભઠ્ઠી’માં શેકાઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. આજે મહાનગરોમાં પારો 44 ડિગ્રીને
પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમી અને લૂથી બેહાલ બન્યા છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ
અને અમરેલીમાં સૂર્યનારાયણે કેર વર્તાવ્યો છે. અમદાવાદ 44.8 ડિગ્રી સાથે રાજયનું સૌથી
ગરમ શહેર રહયું હતું. હવામાન વિભાગે રાજ્યમાં
આગામી બે દિવસ માટે આકરી ગરમી અને હીટવેવની ચેતવણી જાહેર કરી છે, જેમાં તાપમાનનો પારો
45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાન
વિભાગની તાજેતરની આગાહી મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે
છે, કારણ કે અનેક જિલ્લાઓમાં હીટવેવની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને કચ્છ,
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હીટવેવની ગંભીર અસર થવાની શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર
અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
છે. કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત થશે. સૂર્યના આકરા તાપને લીધે બપોરના સમયે
લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનશે. વહીવટી તંત્ર સાવચેતીના પગલાં લઈ રહ્યું
છે. જો કે, બપોરના સમયે આકરી લૂ થી બચવા માટે ખાસ તકેદારી રાખવી અનિવાર્ય બની છે.
બે
દિવસ ગરમીનું જોર ઘટવાના કોઈ સંકેત નથી. પોરબંદર, પાટણ, બોટાદ અને અમદાવાદ જિલ્લાઓમાં
પણ ભારે ગરમીનો અનુભવ થશે. સુરત અને પાટણ જેવા શહેરોમાં વધતું તાપમાન સામાન્ય જનજીવન
પર માઠી અસર કરી શકે છે.
શહેર તાપમાન
અમદાવાદ 44.8
અમરેલી 44.5
રાજકોટ 44.4
ગાંધીનગર 44.2
ભુજ 43.8
વડોદરા 43
ડીસા 42.8
ભાવનગર 41.6
સુરત 41.6
દાહોદ 40.8
ડાંગ 40.4