ડાર્ક વેબની મદદથી આતંકવાદી ફાંડિંગ અને ડ્રગ્સ નેટવર્ક સાથે સાંઠગાંઠ ધરાવતા 10ની અગાઉ સ્ટેટ સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.5: ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે (સીસીઓઈ) આતંકવાદી ફાંડિંગ, આંતરરાષ્ટ્રીય
ડ્રગ્સ નેટવર્ક અને ડાર્ક વેબ સાથે જોડાયેલા રૂ.226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો
પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ડર્ટી ક્રિપ્ટોને યુએસડીટીમાં કન્વર્ટ કરતી ટોળકીના
વધુ બે આરોપીની ધરપકડ કરાઈ છે. બન્ને આરોપીઓ ભાવનગરના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું
છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર દ્વારા ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની
મદદથી આ સમગ્ર નેટવર્કનો ભાંડો ફોડવામાં આવ્યો હતો. અગાઉ આ જ કેસમાં 10 આરોપીઓની ધરપકડ
કરાઈ હતી.
તપાસમાં
સામે આવ્યું છે કે આ નેટવર્ક ડાર્ક વેબ પર નાર્કોટિક્સ ડ્રગ્સના વેચાણ, મની લોન્ડારિંગ
અને આતંકવાદી સંગઠનોના ફાંડિંગ સાથે
સંકળાયેલું
હતું.
ધરપકડ
કરાયેલા આરોપીઓમાં ભાવનગરના સવાઈ ઘરની શેરી, ખંભાતી ડેલામાં રહેતા 23 વર્ષીય હાદીરજા
શબીરઅલી સરાની અને અંબાચોક, ખોજાવા ગલી નં-2માં રહેતા 36 વર્ષીય મોહમંદ ઝામીન અબ્બાસઅલી
જીગરનો સમાવેશ થાય છે. બન્ને વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે
આ ક્રિપ્ટો કૌભાંડ ફેલાયેલું હોવાથી પોલીસ દ્વારા વધુ વોલેટની તપાસ ચાલુ છે અને આગામી
સમયમાં આ કૌભાંડમાં સામેલ વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.