• સોમવાર, 15 જૂન, 2026

ગોંડલમાં ઓઇલ મિલમાં કામ કરતી મહિલાનું મશીનમાં આવી જતા મૃત્યુ સાડીનો છેડો ફસાઈ જતા બની દુર્ઘટના : શ્રમિક પરિવારમાં ગમગીની

ગોંડલ, તા.14 : ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલી ઓઇલ મિલમાં કામ કરતી શ્રમિક મહિલાનું મશીનમાં સાડીનો છેડો ફસાઈ જતા મશીનમાં આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ ગુંદાળા રોડ ઉપર આવેલી નૈમિષભાઈ પડાલિયાની અવની ઓઇલ મિલમાં રવિવારે સવારે મૂળ પંચમહાલ વિસ્તારના ગોલણપુરના વતની અને હાલ ઓઇલ મીલની ઓરડીમાં રહેતાં શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટ (ઉં. 57) નામનાં મહિલા મિલમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેમની સાડીનો છેડો અચાનક  ધાણાનાં મશીનમાં આવી જતાં શારદાબેન મશીનમાં ખેંચાયાં હતાં અને પલવારમાં મશીનની લપેટમાં આવી જવાથી તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાથમિક તપાસમાં મૃતક શારદાબેન તથા તેમનો દીકરો બે દિવસ પહેલા જ ઓઇલ મિલમાં મજૂરી કામે લાગ્યા હતા. મૃતક મહિલાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પતિ બીમાર રહેતા હોય નિવૃત્ત છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક