વરસાદી માહોલમાં આજે સવારે એક સાથે 6 મૃતદેહ આવતા મુશ્કેલી સર્જાઈ
વેરાવળ,
તા. 5 : વેરાવળમાં નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં છેલ્લા સાત દિવસથી ગેસ આધારિત અગ્નિ
સંસ્કારની ભઠ્ઠી બંધ હોવાના કારણે મૃતદેહો લઈને આવતા સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો
પડયો હતો. સ્મશાનગૃહ જેવી અત્યંત આવશ્યક જાહેર સેવામાં ખલેલ પહોંચતાં લોકોમાં કચવાટ
ફેલાયો હતો.
આજે રવિવારે સવારે પરિસ્થિતિ ત્યારે વધુ વિકટ બની
હતી જ્યારે એક સાથે છ મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે સ્મશાનગૃહ ખાતે પહોંચ્યા હતા. તે સમયે
ગેસ ભઠ્ઠી કાર્યરત ન હોવાથી તમામ મૃતદેહોના અગ્નિ સંસ્કાર પરંપરાગત લાકડાની ચિતા દ્વારા
કરવાની ફરજ પડી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે
લાકડાં પલળી ગયાં હોવાથી અગ્નિસંસ્કારમાં ભારે વિલંબ થયો હતો. પરિણામે સ્વજનોને કલાકો
સુધી રાહ જોવી પડી રહી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાનગૃહની ગેસ આધારિત
ભઠ્ઠીમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર તકનિકી ખામીઓ સર્જાતી રહી છે. અનેક વખત મરામત કરાવી
હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. જાહેર સુવિધા હોવા છતાં ભઠ્ઠી લાંબા સમય
સુધી બંધ રહેતાં લોકોને વિકલ્પ તરીકે લાકડાની ચિતાનો સહારો લેવો પડે છે.
વરસાદી
માહોલમાં લાકડાં ભીના થઈ જતાં હોવાથી અગ્નિ સંસ્કારની પ્રક્રિયા વધુ મુશ્કેલ બની જાય
છે. આવી સ્થિતિમાં શોકગ્રસ્ત પરિવારોને માનસિક વ્યથા ઉપરાંત વધારાની અસુવિધા પણ સહન
કરવી પડે છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર પાસે ગેસ ભઠ્ઠી તાત્કાલિક કાર્યરત કરવા તેમજ સ્મશાનગૃહની
સુવિધાઓમાં કાયમી સુધારા કરવાની માગ ઉઠાવી છે.