જૂનાગઢ, તા.23: ઓરિસ્સાથી જૂનાગઢ પોસ્ટ મારફતે મંગાવેલ રૂ.2.11 લાખની કિંમતનો 4.239 કિલોગ્રામ ગાંજા સાથે બે શખસને એસ.ઓ.જીની ઝડપી લીધા હતા. એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. કૃણાલ પટેલ સહિતની ટીમે બાતમીના આધારે ભવનાથ પોસ્ટ ઓફિસ પાસેથી રઇશખાન રહીમખાન પઠાણ અને સોહિલ રજાક શેખને 4.239 કિલોગ્રામ ગાંજાના પેકેટ સાથે ઝડપી લીધા હતા. પૂછપરછમાં આરોપીઓએ આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી ગોપી દાદા નામના શખસ પાસેથી જૂનાગઢના અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુ રાઠોડ અને પોલીસ કર્મી કિરણ કાનજી રાઠોડ નામના શખસોએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ બન્ને શખસે અકીલ ફિરોજ સીડાના કહેવાથી આ ગાંજાનુ પાર્સલ લેવા આવ્યા હતા સાથે સમૂન દિલાવર લાસારી પણ હતો. જે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે રૂ.2.11 લાખનો ગાંજો સહિત રૂ.2.51 લાખનો મુદ્દામાલ કબજે કરી ભવનાથ પોલીસમાં અમિત, કિરણ, ગોપી, અકીલ, રઇશખાન, સમૂન અને સોહીલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.