સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર, બોટાદની ખાનગી શાળાઓમાં રજા જાહેર
દસાડામાં સૌથી વધુ 3.5, સિહોરમાં
3 ઇંચ અને બોટાદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો; ખેડૂતોમાં આનંદની લહેર
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ તા.23 ઃ રાજ્યમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લા પર મેઘરાજા ભારે મહેરબાન થયા છે. ગત મોડી રાતથી શરૂ થયેલા વરસાદી માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં અડધાથી ત્રણ ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. સિહોરમાં 3 ઇંચ અને બોટાદમાં પોણા ત્રણ ઇંચ જેટલા ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. ખેડૂતો માટે આ વરસાદ ‘કાચું સોનું’ સાબિત થતાં કૃષિ આલમમાં હરખની હેલી જોવા મળી છે. દરમિયાન, હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે 24 જુલાઈના
રોજ તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક રજા જાહેર કરી દીધી છે.
ભાવનગર ઃ જિલ્લામાં આજે દિવસ દરમિયાન મેઘરાજાએ મહેરબાન થઈને સાર્વત્રિક હાજરી નોંધાવી છે. સવારથી વરસાદ શરૂ થયો હતો અને દિવસભર વરસાદ વરસ્યો હતો સમગ્ર જિલ્લામાં સાંજના છ વાગ્યા સુધીમાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. સિહોર તાલુકામાં સૌથી વધુ 72 મીમી વરસાદ નોંધાયો છે. સિહોરમાં ખાસ કરીને બપોરે 12 થી 2
વાગ્યાના સમયગાળા દરમિયાન ધોધમાર 26 મીમી
વરસાદ પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ત્યારબાદ ભાવનગર તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બાટિંગ કરતા 67 મીમી
વરસાદ નોંધાયો છે. ઉપરાંત વલ્લભીપુર તાલુકામાં પણ દિવસ દરમિયાન 64 મીમી વરસાદ ખાબક્યો છે. જ્યારે ઘોઘામાં 33 મીમી, ઉમરાળામાં 27 મીમી
, તળાજામાં 22 મીમી,
મહુવામાં 21 મીમી
અને પાલીતાણામાં 19 મીમી
વરસાદ નોંધાયો છે. ગારીયાધાર અને જેસર તાલુકામાં વરસાદની ગતિ ધીમી રહી હતી. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે આવતીકાલે તા. 24 જુલાઈ,
2026ના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો તથા અન્ય કર્મચારીઓએ નિયમિત સમયસર હાજર રહી જરૂરી વહીવટી કામગીરી બજાવવાની રહેશે.
તળાજા ઃ શહેર અને તાલુકા ઉપર છેલ્લા ચાર દિવસથી મેઘરાજાનું અવિરત હેત વરસી રહ્યું છે.તેમાંય છેલ્લા ત્રણ દિવસ થી દિવસ અને રાત્રે આકાશ સતત ગોરંભાયેલુ રહે છે. વહેલી સવારના 5 વાગ્યા થી સાંજના 6 વાગ્યા વરસાદે વિરામ લીધો ન હતો. ક્યારેક હળવી ધારે તો ક્યારેક સાવ ઝરમર સ્વરૂપે શરૂ જ રહ્યો હતો. જે દિવસ દરમિયાન 22 મી.મી નોંધાયો છે. આવતીકાલે શુક્રવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આંગણવાડી, બાલવાટિકાથી લઈ ખાનગી અને સરકારી તમામ ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓમાં રજા રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.
ગઢડા(સ્વામીના) ઃ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રીથી ચોમાસાનો માહોલ જામતા સતત વરસાદ શરૂ રહ્યો હતો.મોડી રાત્રિથી બીજા દિવસે સાંજ સુધી 28 મીમી
વરસાદ નોંધાયો હતો.
બોટાદ ઃ શહેર અને જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે આખો દિવસ યથાવત રહેતાં શહેરમાં અંદાજે 2.75 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બોટાદ તાલુકામાં 50 મિ.મી., ગઢડામાં 21 મિ.મી., રાણપુરમાં 32 મિ.મી. અને બરવાળામાં 49 મિ.મી. વરસાદ નોંધાયો હતો. શહેરના તુરખા રોડ પર માર્ગનું કામ અધૂરું હોવાથી ખોદાયેલા રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતાં રોડ સ્વામિંગ પૂલ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો હતો. સતત વરસાદને પગલે બોટાદની મધુ અને ઉતાવળી નદીમાં નવા નીરની આવક શરૂ થતાં બંને નદીઓમાં પાણી વહેતું જોવા મળ્યુ હતું. ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ હરેશભાઈ ધાંધલે જણાવ્યું કે, ભારે વરસાદની શકયતાઓના પગલે આવતીકાલે ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ઉમરાળા ઃ બુધવારે મોડી રાત્રે બે વાગે શરૂ થઈને આજે ગુરૂવારે સાંજના છ વાગ્યા સુધીમાં 44 મી. મી.વરસાદ નોંધાયો છે અને હજુ વધુ વરસાદ વરસે તેવું વાતાવરણ છે.
સુરેન્દ્રનગર ઃ જિલ્લામાં ગુરુવારે મેઘરાજાએ જોરદાર બાટિંગ કરતાં અનેક તાલુકાઓમાં સતત વરસાદ વરસ્યો હતો. જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા સાંજે 6 વાગ્યા સુધી જાહેર કરાયેલા અહેવાલ મુજબ છેલ્લા 12 કલાકમાં
જિલ્લાના સરેરાશ 41.8 મી.મી. વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દસાડા તાલુકામાં 87 મી.મી. નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે લખતરમાં 63 મી.મી., વઢવાણમાં 49 મી.મી., સાયલામાં 43 મી.મી., મુળીમાં 37 મી.મી., ચુડામાં 35 મી.મી., ધ્રાંગધ્રામાં 31 મી.મી., લીંબડીમાં 29 મી.મી. તેમજ ચોટીલા અને થાનગઢમાં 22-22 મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને અનુલક્ષીને, નાગરિકોની સુરક્ષા અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આવતીકાલે જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને રજા જાહેર કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિમાં મદદ માટે નાગરિકો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના નંબર 02752-285300 અને 02752-283400 પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જિલ્લાના વાંસલ ડેમમાં નવા નીરની સતત આવકને પગલે ડેમ 0.01 મીટરથી
ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકો માટે સતર્કતા જાહેર કરવામાં આવી છે.