• ગુરુવાર, 23 જુલાઈ, 2026

જામનગર : ત્રણ પોલીસ અધિકારીને કોર્ટે ફટકારી ‘શો કોઝ’ નોટિસ

ચેક કૌભાંડમાં ડેન્ટલ કોલેજના ડીન સામે પગલાં લેવાને બદલે ક્લીનચીટ આપવાનો પ્રયાસ કરાતા કોર્ટે અપનાવ્યું આકરું વલણ

જામનગર, તા.22 : જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિનાં ખાતામાંથી થયેલા રૂ. 1.36 કરોડના ચેક કૌભાંડમાં જામનગર સેશન્સ કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન તપાસની દિશા પર ગંભીર સવાલો ઉઠાવીને કેસના ત્રણ ઇન્વેસ્ટિગાટિંગ પોલીસ અધિકારીને ‘શો કોઝ’ (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે. 

જામનગરમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કુલ 15 ચેક દ્વારા રૂ. 1,36,19,350 જેટલી માતબર રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, એફએસએલના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે, માત્ર બે જ ચેકમાં સહી જોવાની ગડબડ છે જ્યારે બાકીના 13 ચેક પર તો કોલેજના ડીનની પોતાની જ અસલ સહીઓ રહેલી છે. બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર શોભિત ગર્ગ માત્ર એક કરાર આધારિત કર્મચારી છે અને તેને કોઈ પણ પ્રકારની નાણાકીય સત્તા કે ચેક પર સહી કરવાનો અધિકાર જ નથી. વધુમાં, બેન્કના નિયમો મુજબ પાંચ લાખથી વધુની રકમના વ્યવહાર માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ અને આર.ટી.જી.એસ. ફોર્મ ભરવા ફરજિયાત હોય છે, જેમાં પણ સત્તાવાર અધિકારી એટલે કે ડીનની જ સહીઓ આવશ્યક બને છે. આમ છતાં, ડીનની સીધી સંડોવણી છુપાવીને માત્ર વહીવટી કામગીરી કરતા એક નાના કર્મચારીને બલિનો બકરો બનાવવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે ફલિત થાય છે.

આરોપી શોભિત ગર્ગે પોતાની ધરપકડ થાય તે પહેલાં જ જિલ્લા પોલીસ અધિક્ષકને એક લેખિત અરજી આપી હતી. ધરપકડ પૂર્વે અપાયેલી આ રક્ષણ અંગેની અરજી અને બેન્કના નક્કર દસ્તાવેજી પુરાવાઓ તપાસ એજન્સી પાસે હોવા છતાં પોલીસે ડીન સામે પગલાં લેવાને બદલે તેમને ક્લીનચીટ આપવાનો પ્રયાસ કરતા હવે સેશન્સ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે અને 27મી સુધીમાં જવાબ માગતા જવાબદાર અધિકારીઓએ ખુલાસો આપવો પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક