• ગુરુવાર, 23 જુલાઈ, 2026

લીંબડી : 5 લાખની લાંચ લેતા સરપંચના પતિ અને ઉપસરપંચ રંગેહાથ ઝડપાયા

રેતી ખનન માટે ટ્રક દીઠ ઉઘરાણી બાદ

રૂ. 6.30 લાખની માગણી, સોદો રૂ. 5 લાખમાં થતાં એસીબીએ ગોઠવ્યું છટકું

સુરેન્દ્રનગર તા.22 : જિલ્લાના લીંબડી તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી)એ મોટી કાર્યવાહી કરતા ઉંટડી ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા બે શખસોને રૂ. 5 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, ઉંટડી ગામની સીમમાંથી રેતી કાઢવાની મંજૂરી આપવા બદલ આરોપીઓએ ટ્રક દીઠ રૂ. 1,000ની માગણી કરી હતી. બાદમાં રકઝક થતાં એકમુષ્ટ રૂ. 5 લાખમાં સોદો નક્કી થયો હતો. પરંતુ ફરિયાદી લાંચ આપવા ન માગતા હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીના પી.આઈ. પી.કે. પટેલ અને તેમની ટીમે લીંબડી હાઇવે ચાર રસ્તા નજીક આવેલ પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં છટકો ગોઠવ્યો હતો. જ્યાં ફરિયાદી પાસેથી રૂ. 5 લાખની રકમ સ્વીકારતા જ સંજયભાઈ પ્રતાપભાઈ કમેજળીયાને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે સંજયભાઈ ઉંટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ છે. ત્યારબાદ સંજયભાઈએ મોબાઈલ પર વાતચીત કરી વ્યવહારની પુષ્ટિ કરતા સ્થળ પર પહોંચેલા ગામના ઉપસરપંચ સુનીલભાઈ સુભાષભાઈ કટુડીયાને પણ એસીબીએ દબોચી લીધા હતા. એસીબીની ટીમે રૂ. 5 લાખની રકમ જપ્ત કરી બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસીબી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક પગલાં લેવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક